લંડનઃ ગાઝા પટ્ટીમાં હમાસના ઉગ્રવાદીઓ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી હિંસાનો વિરોધ અને પેલેસ્ટિનીઓનું સમર્થન કરવા હજારો લોકો શનિવાર ૧૫ મેના દિવસે સેન્ટ્રલ લંડનમાં ઉતરી આવ્યા હતા. દેખાવકારો ‘ફ્રી પેલેસ્ટાઈન’ના સૂત્રો પોકારતા ઈઝરાયેલી દૂતાવાસ તરફ કૂચ કરી ગયા હતા. તેમણે ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટિની લોકો સામે હિંસા અને દમનને છૂટ નહિ આપવા યુકે સરકારને જણાવ્યું હતું.
સેન્ટ્રલ લંડનમાં વિરોધ કરવા એકત્ર થયેલા હજારો લોકોમાં શરુઆતથી જ ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. હાઈડ પાર્કથી કેન્સિંગ્ટનમાં આવેલી ઈઝરાયેલી એમ્બેસી સુધીના માર્ગમાં જાણે દેખાવકારોની નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તેમ લાગતું હતું. લોકો પેલેસ્ટિની ધ્વજો લહેરાવી ‘ફ્રી પેલેસ્ટાઈન’ના સૂત્રોચ્ચાર કરતા હતા. એમ્બેસીની કિલ્લેબંધી કરી દેવાઈ હતી. ઘણા લોકો કેન્સિંગ્ટન હાઈ સ્ટ્રીટ પર લગાવેલી આડશો પણ કૂદી ગયા હતા. થોડા દેખાવકારોએ પોલીસ સામે પણ વસ્તુઓ ફેંકી હતી.
યુકેસ્થિત પેલેસ્ટિની એમ્બેસેડર હુસામ ઝૂમલોટે દેખાવકારોને સંબોધ્યા હતા. ઈઝરાયેલી દૂતાવાસની બહાર પૂર્વ લેબરનેતા જેરેમી કોર્બીન અને પૂર્વ શેડો હોમ સેક્રેટરી ડિયાને એબોટે પણ લોકોને સંબોધન કર્યું હતું.
બર્મિંગહામમાં પણ પેલેસ્ટિન સમર્થકોએ ધ્વજ લહેરાવી ‘ફ્રી ફ્રી પેલેસ્ટાઈન’ના સૂત્રો પોકારવા સાથે બર્લિંગ શોપિંગ સેન્ટરમાં ઘૂસી જઈ ત્રણ માળ સુધી ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો.
લંડનમાં ઈઝરાયેલની વિરુદ્ધ દેખાવોનું આયોજન પેલેસ્ટાઈન સોલિડારિટી કેમ્પેઈન, ફ્રેન્ડ્ઝ ઓફ અલ-અક્સા, પેલેસ્ટિનીઅન ફોરમ ઈન બ્રિટન, સ્ટોપ ધ વોર કોએલિશન, કેમ્પેઈન ફોર ન્યુક્લીઅર ડિસઆર્મામેન્ટ અને મુસ્લિમ એસોસિયેશન ઓફ બ્રિટન દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે સરકાર તાકીદે પગલાં લે તે જરુરી છે. તેમણે કહ્યું હતું કે બાળકો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા કરતો ગાઝા પરનો બોમ્બમારો યુદ્ધ અપરાધ છે. ઈઝરાયેલને લશ્કરી, રાજદ્વારી અને નાણાકીય સહાય આપતી યુકે સરકાર પણ આ કૃત્યોમાં સહભાગી છે.