લંડનઃ KPMG ના સંશોધન રિપોર્ટ મુજબ સમગ્ર યુકેમાં પ્રથમ ઘર ખરીદનારની લઘુતમ કમાણી વર્ષે £૪૦,૫૫૩ની હોવી જરૂરી છે, જ્યારે સરેરાશ વેતન માત્ર £૨૨,૦૪૪ છે. જોકે, લંડનમાં પ્રથમ ઘર ખરીદવા કે પ્રોપર્ટી નિસરણી પર ચડવા માટે લઘુતમ કમાણી વર્ષે £૭૭,૦૦૦ હોવી જોઈએ. જ્યારે રાજધાનીમાં સરેરાશ વાર્ષિક વેતન માત્ર £૨૭,૯૯૯ છે. સરેરાશથી વધુ કમાનારા અને વારસામાં ઘર મેળવનાર સિવાય તમામ માટે ઘર પોસાવું મહત્ત્વની સમસ્યા બની ગઈ છે.
ચૂંટણી આડે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે ત્યારે કન્સલટન્સીએ લાંબા ગાળાની હાઉસિંગ સ્ટ્રેટેજી માટે હિમાયત કરી છે. સંશોધન કહે છે કે ૨૦૧૦ પછી નવા મોર્ગેજ ધીરાણમાં ૬૪ ટકાનો વધારો થયો છે, જેને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ જોખમી ગણાવે છે. એકાઉન્ટન્સી ફર્મ મૂર સ્ટીફન્સ અનુસાર ગયા વર્ષે ૮૮,૮૧૭ મોર્ગેજીસ વેતનના ૪.૫ ગણા અથવા વધુ તરીકે અપાયા હતા. ૨૦૧૦માં આ આંકડો ૫૪,૦૨૩ હતો.