લંડનઃ આ વર્ષની પ્રથમ નોંધપાત્ર બરફવર્ષા લંડનવાસીઓએ મંગળવારે સવારે અનુભવી હતી. આ સાથે ઈસ્ટ અને સાઉથ-ઈસ્ટ ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ હતી. ગુરુવાર સુધીમાં રશિયાથી હાડ ગાળતા સાઈબિરિયન ઠંડા પવનો યુકે આવી પહોંચશે ત્યારે દેશના ઘણા વિસ્તારો હિમચાદરમાં લપેટાશે અને તાપમાન માઈનસ ૧૧ ડીગ્રી સેલ્સિયસ સુધી ઉતરી જવાની આગાહી પણ કરાઈ છે. પૂર્વીય કાઉન્ટીઝ, વેલ્સ, સ્કોટલેન્ડ અને ઈસ્ટ મિડલેન્ડ્સમાં મંગળવારે બરફ પડ્યો હતો.
હવામાન ઓફિસે આગાહી કરી છે કે સૂસવાટા મારતા ઠંડા સાઈબિરિયન પવનોના કારણે આગામી પાંચ દિવસોમાં સબ-ઝીરો હવામાન સાથે તાપમાન માઈનસ ૧૧ ડીગ્રી સેલ્સિયસ જેટલું નીચે ઉતરી જશે. ભારે બરફવર્ષા નહિ થાય, પરંતુ ઠંડીના કારણે ડ્રાઈવિંગ પરિસ્થિતિ વસમી રહેવાની અને કેટલાંક સ્થળોએ શિયાળુ છાંટણા પડવાની ચેતવણી પણ અપાઈ છે. હાઈલેન્ડ્સના ડાલવ્હીની ગામે તાપમાન માઈનસ ૧૧ ડીગ્રી સે. રહ્યું હતું, જ્યારે કેટ્સબ્રીજ કો ડાઉનમાં પારો માઈનસ ૮ ડીગ્રી સે. નીચો રહ્યો હતો. હર્ટફોર્ડશાયર સહિતના સ્થળોએ બરફ ખસેડવાની કામગીરી પુરજોશમાં હાથ ધરાઈ હતી.
બ્રિટનમાં ગત શુક્રવારે ચાલુ રહેલી હિમવર્ષાને કારણે રોડ બ્લોક થઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. યોર્ક અને માન્ચેસ્ટર વચ્ચે ટ્રેનસેવા કોરવાઈ હતી. કન્ટ્રી આર્માગાહ, સાઉથ લંડન, નોર્થ સ્કોટલેન્ડ, માન્ચેસ્ટર, યોર્કશાયર, ડર્બીશાયર, ડરહામ, કમ્બ્રિયા, લેન્કેશાયર, આઈસલેન્ડ સહિતના વિસ્તારો હિમવર્ષાની લપેટમાં હતા. ઉત્તર આયર્લેન્ડ, ડર્બી શાયર અને કમ્બ્રિયામાં ભારે બરફ પડવાને કારણે સો જેટલી શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવાઈ હતી. નોર્થ ઇંગ્લેન્ડમાં કમ્બ્રિયામાં ૪ ઇંચ, નોર્થ અમ્બરલેન્ડમાં ૨ ઇંચ અને પશ્ચિમ યોર્કશાયરમાં ૧.૨ ઇંચ બરફ ખાબક્યો હતો. જો કે, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડમાં સૌથી વધુ ૯ ઇંચ જેટલો બરફ પડયો હતો. બ્રિટનના ઉત્તર ભાગમાં માઈનસ ૬ ડિગ્રી તાપમાન થયું હતું. શુક્રવારે માન્ચેસ્ટર એરપોર્ટના પર રનવે પર બરફ જામી જવાને કારણે ૪૦ જેટલી ફ્લાઈટ્સ રદ થતાં મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા. રોડ પર જામેલા બરફમાં ફસાઈ ગયેલી અનેક ગાડીઓને રેસ્ક્યુ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.