લંડનઃ યુકેમાં એસિડ ફેંકવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે મંગળવાર, ૨૫ જુલાઈની સાંજે સાત કલાકના સુમારે બે બંગાળી યુવાનો પર પ્રવાહી એસિડ ફેંકવામાં આવતા તેમના ચહેરા અને શરીરની ત્વચાને ભારે નુકસાન થયું હતુ. તેઓ બેથનાલ ગ્રીનની રોમન રોડની સડક પર મદદ માટે દોડતા રહ્યા હતા. તેમની ચામડી ઉતરડવા સાથે કપડા પણ બળી ગયા હતા. લંડનમાં જુલાઈ મહિનામાં એસિડ ફેંકવાની ઘટનાઓમાં છ વ્યક્તિને ઈજા પહોંચી હતી.
શકવાત હુસૈન અને તેના મિત્રના ચહેરા પર જલદ એસિડ ફેંકાયા પછી તેઓ પીડામાં ‘કોઈએ અમારા પર એસિડ ફેંક્યો છે’ની બૂમો પાડતા મદદ માટે સડક પર દોડ્યા હતા. ફાયર ફાઈટર્સ આવ્યો તે પહેલા આ યુવાનો પર સંખ્યાબંધ બોટલ્સનું પાણી રેડવામાં આવ્યું હતું. આ પછી તેમને ફાયર ફાઈટર્સના હોઝ પાઈપથી પાણી છાંટીને તરબોળ કરી દેવાયા હતા.
એક દુકાનદારે જણાવ્યું હતું કે આ યુવાનો ભારે પીડામાં મદદ માટે બૂમો પાડતા તેની દુકાને દોડી આવ્યા હતા. એસિડથી તેમની ચામડી ઉતરી રહી હતી. તેમના ચહેરા અને પગ બળી ગયા હતા. મેં આના જેવી ભયાનક ઘટના કદી જોઈ નથી. એક પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો અને એક વ્યક્તિએ પહેરેલાં જેકેટની બાંય પીગળી ગઈ હતી.
એસિડ હુમલાની સળગતી સમસ્યા
• ગયા વર્ષે સ્કોટલેન્ડ યાર્ડ સમક્ષ એસિડ હુમલાની ૪૫૫ ઘટના નોંધાઈ હતી, જે ૭૪ ટકાનો વધારો સૂચવે છે.
• આ ગુનાઓમાં ૨૦ વ્યક્તિને સજા કરાઈ હતી પરંતુ, ૬૬ ટકાથી વધુ ગુનેગાર પકડાયા જ નથી.
• આ વર્ષના જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જ ૧૧૪ એસિડ હુમલા થયા છે. ૧૩ જુલાઈની અલગ અલગ ૧૩ ઘટનાઓ સંદર્ભે ૧૬ વર્ષના તરુણ સામે આરોપ લગાવાયો છે પરંતુ, તેણે આરોપો નકાર્યા છે.
• જૂન મહિનામાં રેશમ ખાન અને તેના કઝીન જમીલ મુખ્તાર ઈસ્ટ લંડનમાં કારમાં હતા ત્યારે એક માણસ તેમના પર જલદ પ્રવાહી ફેંકી નાસી ગયો હતો.
• એસિડ હુમલા પછીની સારવારમાં આંખની પાંપણો, નાક અને કાનના ઓપરેશન્સ માટે ત્વચાનું પ્રત્યારોપણ કરવું પડે છે. ઘણી વખત પેશન્ટ દૃષ્ટિ પણ ગુમાવે છે.