લંડનઃ મહાનગરમાં રોમન કાળના રંગીન ફળો અને પેટર્નથી સજ્જ મોઝેઇક મળી આવ્યા છે. લંડનમાં છેલ્લા ૫૦ વર્ષમાં મળેલા આ સૌથી મોટા મોઝેઇક છે. નિષ્ણાતોના મતે આ મોઝેઇક રોમન ડાઇનિંગ રૂમનો ફ્લોર મનાય છે. આ ડાઇનિંગ રૂમ અપમાર્કેટ મોટેલ રોમન મેન્સિયોનો હિસ્સો હોવાનું લાગે છે.
આ સ્થળ થેમ્સના ઉત્તરીય કિનારે આવેલું છે. મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજી (‘મોલા’)ના પુરાતત્વવિદોના જણાવ્યા મુજબ નવા કલ્ચરલ ક્વાર્ટરના નિર્માણમાં ભાગ્યે જ જોવા મળ્યા હોય તેવા ઐતિહાસિક અવશેષ જોવા મળ્યા છે. આ અવશેષ બે હજાર વર્ષથી વધારે પુરાણા મનાય છે. આ સ્થળને હાલમાં તો કવર કરી લેવાયું છે, પરંતુ તેના થ્રી-ડી મોડેલ પરથી તેની જબરદસ્ત વિગતો મળે છે. આ નવા કલ્ચરલ ક્વાર્ટરનું નામ લિબર્ટી ઓફ સાઉથવાર્ક છે. આ નવું તારણ દર્શાવે છે કે આ ડાઇનિંગ રૂમ રોમન અપમાર્કેટ મોટેલનો હિસ્સો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે લંડનમાં છેલ્લા ૫૦ વર્ષમાં મળી આવેલું સૌથી મોટું પુરાતત્વીય સ્થળ છે. નિષ્ણાતોની ટીમ આ સ્થળની સાવધાનીપૂર્વક સંભાળ રાખી રહી છે. સમગ્ર મોઝેઇક બે અત્યંત શણગારેલી પેનલથી બન્યું છે. બંને નાના રંગીન ટાઇલ્સના સેટથી બન્યા છે. સૌથી મોટી પેનલ દર્શાવે છે કે મોટા, રંગીન ફૂલોની આસપાસની ડિઝાઇન પણ શાનદાર છે. આ ઉપરાંત કમલના ફૂલો ઉપરાંત કેટલાક ભૌગોલિક તત્ત્વો પણ છે.
ઇંગ્લિશ હેરિટેજના ભૂતપૂર્વ પુરાતત્વવિદ ડો. ડેવિડ નીલે જણાવ્યું હતું કે આ ડિઝાઇન એકથેન્સા ગ્રૂપ દ્વારા બનાવાઇ છે. તેણે પોતાની આગવી શૈલી કે ડિઝાઇન વિકસાવી છે.
આ જ પ્રકારની ડિઝાઇન જર્મનીમાં પણ મળી આવી છે. આ પેનલો એક કરાતાં મોટા ડાઇનિંગ રૂમનું ચિત્ર ઉપજે છે. રોમનો તેને ટ્રિક્લિનિયમ કહેતા હતા. લોકો અહીં વૈભવી શૈલીમાં ફૂડ અને ડ્રિન્ક લેતા હશે તેવું પ્રતિકૃતિ જોતાં કહી શકાય છે. આ પેનલ બીજી અને ત્રીજી સદીની વચ્ચેની હોવાનું મનાય છે. આના લીધે બે હજાર વર્ષ પહેલા યુકે પર રોમનોનું શાસન હતું કે સ્પષ્ટ થાય છે. પુરાતત્વવિદોએ તેની સાથે તે સમયના ધનવાનનું બિલ્ડિંગ પણ શોધી કાઢ્યું છે. તેની અત્યંત સુંદર રીતે ચિત્રિત કરાયેલી દીવાલો, ટેરાઝો અને મોઝેઇક ફ્લોર, સિક્કા અને ઝવેરાત, શણગારેલી બોન હેરપિન્સ બતાવે છે કે બે હજાર વર્ષ પહેલા પણ ધનવાન લોકો કેવો આનંદ મનાવતા હતા અને તેમના કેવા શોખ હતા.