લંડનમાં મોદીવિરોધી સૂત્રોચ્ચાર સાથે દલિતો પર અત્યાચારનો વિરોધ કરાયો

Wednesday 24th January 2018 05:42 EST
 
 

લંડનઃ ભારતમાં દલિતો પર થતાં કથિત અત્યાચારોના વિરોધમાં શનિવાર ૨૦ જાન્યુઆરીએ લંડનસ્થિત દક્ષિણ એશિયન લોકો અને માનવાધિકાર જૂથો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. લંડન ઉપરાંત, બર્મિંગહામ અને વુલ્વરહેમ્પ્ટનથી પણ લોકો વિરોધરેલીમાં સામેલ થયાં હતાં. પ્રદર્શનકારીઓ પહેલા પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી ભારતીય હાઈ કમિશન સુધી ૨૦ મિનિટ રેલી સ્વરુપે ગયા હતા. South Asia Solidarity Group દ્વારા આયોજિત રેલીમાં મોદીવિરોધી નારાઓ લગાવાયા હતા. બ્રિટનસ્થિત જાતિગત સમૂહો ઉપરાંત, દક્ષિણ એશિયાઈ સમૂહ પણ રેલીમાં જોડાયા હતા.

વિરોધરેલીમાં લોકોને સામેલ કરવા માટે ખાસ બસીસની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સડકો પર મોદીવિરોધી નારા લગાવ્યા હતા. રેલી દરમિયાન, ‘મોદી સરકાર હાય હાય’ તેમજ ‘આરએસએસ ડાઊન-ડાઉન’ના સૂત્રો પોકારાયા હતા. આ ઉપરાંત, ‘અમારી લડાઈ માનવ અધિકારો માટે છે’,‘ માનવજીવનનું મૂલ્ય આંકો, માત્ર ગાયોનું નહિ’,‘હિન્દુત્વ ભારતની એકતા માટે ખતરાસમાન છે’, ‘દલિતો વિરુદ્ધ જાતિહિંસાનો અંત લાવો’ સહિતના પ્લે કાર્ડ્સ જોવાં મળ્યાં હતાં.

દક્ષિણ એશિયાઈ એકતા સમૂહની એક સભ્ય કલ્પના વિલ્સને જણાવ્યું હતું કે, ‘મારાં મતે દુનિયાભરના લોકો જોઈ રહ્યાં છે કે ભારતમાં શું થઈ રહ્યું છે, દલિતો પર હુમલા થઈ રહ્યા છે. મુસલમાન અને લઘુમતીની ભીડ મારફત અમે લોકોને દર્શાવવા માગીએ છીએ કે ભારતમાં લોકતંત્ર જોખમમાં છે. મોદી સરકારને આ સંદેશો પાઠવવો જરુરી છે.’ લંડનમાં રહેતી અને ડોમેસ્ટિક વાયોલન્સ ઓફિસર વંદના સંજયે જણાવ્યું હતું કે, ‘લંડનમાં દુનિયાના તમામ પ્રદેશના લોકો વસે છે. અમે અહીં ભારતીય હાઈ કમિશનને અરજી આપવા આવ્યા છીએ. અમે આશા રાખીએ કે ભારત સરકાર પર આની કાંઈક અસર પડશે.’

લંડન નજીક ચેમ્સફર્ડમાંથી આવેલા સંદીપ ટેલમોરે જણાવ્યું હતું કે, ‘ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાએ અમને અહીં એકજૂથ થવા મજબૂર કર્યા છે. જો ભારતમાં આ પ્રકારની ઘટનાઓ થતી રહે તો અમારે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જ રહ્યો. છેલ્લાં ૨૦૦ વર્ષથી ભારતમાં જાતિના આધારે ભેદભાવ ચાલતો આવ્યો છે, અમારે આના વિરુદ્ધ ઉભા થવું જ પડશે.’ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં દલિત અને સવર્ણ જાતિના લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને હિંસામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

પાર્લામેન્ટ સ્ક્વેરથી આરંભ થયેલું વિરોધ પ્રદર્શન લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન સુધી ગયું હતું. પ્રદર્શનકારીઓએ ભારતીય હાઈ કમિશનર બહાર આવી તેમની સાથે વાત કરે તેવી માગણી કરી હતી. જોકે, જાણીતાં કર્મશીલ અને પ્રદર્શનકારી અમૃત વિલ્સને જણાવ્યા હતું કે, ‘અમે ભારતીય હાઈ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવા ઈચ્છતા હતા પરંતુ, તેમણે આ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈ કમિશને એમ કહ્યું હતું કે આ પ્રકારના આવેદન નહિ સ્વીકારવા એમને ભારત સરકારનો આદેશ મળેલો છે.’ આખરે આવેદનપત્ર હાઈ કમિશનના દ્વારે ચોંટાડવામાં આવ્યું હતું.

બીબીસીના રિપોર્ટ અનુસાર તેમણે આ મુદ્દે ભારતીય હાઈ કમિશન સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ, કોઈ જવાબ અપાયો ન હતો. દક્ષિણ એશિયાઈ એકતા સમૂહે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં જ ચૂંટાયેલા વિધાયક જિજ્ઞેશ મેવાણીએ સંદેશો પાઠવી આ પ્રદર્શનનું સમર્થન કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter