લંડનઃ યુક્રેનિયન શરણાર્થીઓ માટે વધુ વિઝાની માગણી અને આક્રમણખોર રશિયાનો વિરોધ કરવા લંડનમાં શનિવાર 5 માર્ચ અને રવિવાર 6 માર્ચે બહુરાષ્ટ્રીય રેલીઓ યોજાઈ હતી. રેલીઓમાં યુક્રેન સાથે એકતા દર્શાવવા ઉપરાંત, રશિયન પ્રમુખ પુટિન યુદ્ધ અટકાવો સહિતની માગણીઓ રજૂ કરાઈ હતી.
ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે શનિવાર 5 માર્ચની ‘સ્ટેન્ડ વિથ યુક્રેન’ રેલીમાં આશરે 2,000 લોકો હાજર રહ્યા હતા. સંખ્યાબંધ લોકોએ જમીનની નીચે બંકરોમાં રહેતા પરિવારો, ફ્રન્ટ લાઈન પર લડી રહેલા કઝીન્સ તેમજ યુકે છોડીને માતૃભૂમિની રક્ષા કરવા યુક્રેન જવાની ચર્ચામાં પરોવાયેલા પુરુષો આ રેલીમાં કેન્દ્રસ્થાને રહ્યા હતા.
આ રેલીમાં બ્લુ અને યલો રંગના યુક્રેનના ધ્વજ લહેરાવતા લોકો હતા. દેખાવકારોએ યુક્રેન અને યુનિયન જેક્સના ધ્વજ, હાથબનાવટના પ્લેકાર્ડ્સ હાથમાં રાખી સૂત્રોચ્ચારો કર્યા હતા. તેમણે યુકે અને પશ્ચિમી દેશોની સરકારો સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ- યુક્રેનના લડવૈયાઓ માટે વધુ શસ્ત્રો, યુદ્ધ શરણાર્થીઓ માટે વધુ વિઝા તેમજ રશિયાના યુદ્ધવિમાનોને અટકાવવા દેશ પર નો ફ્લાય ઝોનના અમલ- કરી હતી. દેખાવકારોએ ચેતવણી આપી હતી કે પુટિન અટકવાના નથી અને કીવને જીતી લેવાશે તે પછી પણ એક અથવા બીજી રીતે યુરોપ માટે નવું યુદ્ધ શરૂ કરશે.
‘સ્ટેન્ડ વિથ યુક્રેન’ રેલીમાં બ્રિટિશરો અને યુક્રેનિયનો ઉપરાંત, લેટવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ઈટાલી, ફ્રાન્સ, લેબેનોન અને બ્રાઝિલના નાગરિકો ઉપરાંત અનેક રશિયનો પણ હાજર રહ્યા હતા.