લંડનઃ પર્યાવરણ બચાવવા માટે વિરોધ પ્રદર્શનો કરી રહેલા ૩૮ દેખાવકારોની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સપ્તાહથી બ્રિટનમાં પર્યાવરણપ્રેમીઓ દેખાવો કરી રહ્યા છે. દેખાવકારો પેટ્રોલ, ડીઝલ, કોલસા અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોથી બ્રિટનને મુક્ત બનાવવાની માગણી કરી રહ્યા છે.
ઇન્સુલેટ બ્રિટન નામની સંસ્થા દ્વારા આયોજિત દેખાવોમાં દેખાવકારોએ ચાર રોડ બ્લોક કરી દેતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ સંસ્થાએ બ્રિટનના ૨૯ મિલિયન ઘરોમાં ઓઇલ, કુદરતી ગેસ અને કોલસા જેવા અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ બંધ કરાવી તેનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની માગણી ઉઠાવી છે. કલાયમેટ ચેન્જ કાર્યકર્તાઓનું માનવું છે કે પવનઉર્જા અને સૌરઉર્જા ફોસીલ્ડ ફ્યૂલ્સનો વિકલ્પ બની શકે છે. ઉલ્લેખનીય છે કે અશ્મિભૂત ઇંધણ એક પ્રકારનું પ્રાકૃતિક ઇંધણ છે જે નું નિર્માણ અનેક વર્ષો પહેલા જમીનમાં દટાયેલા મૃત પશુઓ અને વૃક્ષોનું દબાઇ જવાને કારણે થયું છે. આ પ્રકારના ઇંધણમાં કોલસા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને કુદરતી ગેસનો સમાવેશ થાય છે.
કલાયમેટ ચેન્જ કાર્યકર્તાઓના આ દેખાવો છેલ્લા કેટલાક સપ્તાહથી ચાલી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ અને પોલીસે જણાવ્યું છે ટ્રાફિકમાં અવરોધ ઉભા કરનાર કોઇ પણ દેખાવને સહન કરી નહિ લેવાય.