લંડનઃ સેંકડો એન્ટિ-વેક્સિનેશન દેખાવકારોએ ૨૯ મે, શનિવારે શેફર્ડ્સ બુશમાં વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસની સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા હતા. શોપિંગ સેન્ટરમાં પ્રવેશ્યા પછી તેમણે તોડફેડ આદરી હતી જ્યારે ભયગ્રસ્ત સ્ટાફ દુકાનોને અદરથી બંધ કરી પુરાઈ ગયો હતો અને ગ્રાહકો નાસી છૂટ્યા હતા. જોકે, પોલીસ અધિકારીઓએ સ્થિતિને નિયંત્રણમાં લઈ દેખાવકારોને બહાર ધકેલી દીધા હતા. બીજી તરફ, પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ એન્ડ કોર્ટ્સ બિલનો વિરોધ કરવા સેંકડો કિલ ધ બિલ દેખાવકારો લંડનના રસેલ સ્ક્વેરમાં એકત્ર થયા હતા.
કોવિડના નિયંત્રણો અને વેક્સિનેશનનો વિરોધ કરવા દેખાવકારો શનિવાર સવારથી જ પાર્લામેન્ટ સ્ક્વેરમાં એકત્ર થયા હતા. ઘણા લોકોએ કોવિડ મહામારીને બનાવટ ગણાવી હતી અને ઘણા લોકો પાસે ‘માય બોડી, માય ચોઈસ’ જેવા પ્લેકાર્ડ્સ ફરકાવતા હતા. તેમમે વેક્સિન પાસપોર્ટના વિચારનો પણ વિરોધ કર્યો હતો. ઘણા લોકોએ સ્મોક બોમ્બ સળગાવ્યા હતા અને એક વ્યક્તિએ ફટાકડાં ફોડ્યા હતા. બપોરના એક વાગ્યાના સુમારે ભીડ ઓછી થઈ હતી અને ઘણા લોકો લેસ્ટર સ્ક્વેર થઈને વ્હાઈટ હોલ અને હાઈડ પાર્ક જવા રવાના થયા હતા.
સાંજે દેખાવકારો સેન્ટ્રલ લંડનથી શેફર્ડ્સ બુશ તરફ આગળ વધ્યા હતા. મેટ પોલીસના જણાવ્યા અનુસાર સાંજે ૬.૩૦ કલાકે દેખાવકારો વેસ્ટફિલ્ડ પહોંચ્યા હતા. આના પરિણામે, સ્થાનિક કોમ્યુનિટીઝ અને બિઝનેસીસ મુશ્કેલીમાં આવી પહોંચ્યા હતા. પોલીસે દેખાવકારોને શાંતિથી વિખરાઈ જવાની સૂચના આપી હતી.
બીજી તરફ, સેંકડો કિલ ધ બિલ દેખાવકારો પણ લંડનના રસેલ સ્ક્વેરમાં એકત્ર થયા હતા. પોલીસે દેખાવકારોને મોટા મેળાવડો કે આયોજન સંદર્ભે લોકડાઉન નિયંત્રણોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.