લંડનઃ યુકેમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડશોના આયોજન માટે સરકારી પ્રતિનિધિઓ, વ્યવસાયિકો અને બિઝનેસમેનનું બનેલું ૧૪ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે. તેઓ લંડનમાં ૪થી ૬ ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન ૨૦થી ૨૫ ઉચ્ચ બિઝનેસ અને સરકારી પ્રતિનિધિઓને તેમજ બિનનિવાસી ગુજરાતી (NRG) કોમ્યુનિટી સાથે મુલાકાત યોજશે.
ભારતમાં ગુજરાત સત્તા દ્વારા દર બે વર્ષે રોકાણકારોની સખત પરિષદ વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ બિઝનેસ અગ્રણીઓ, ઇન્વેસ્ટર્સ, કોર્પોરેશન્સ, વિચારકો, નીતિ અને અભિપ્રાય ઘડવૈયાઓને સાથે લાવવાનો હેતુ ધરાવે છે. આ સમિટ ગુજરાત રાજ્યમાં વેપાર તકોની શોધ અને સમજના પ્લેટફોર્મ તરીકે જાહેર કરાયેલ છે. યુકેમાં પ્રતિનિધિઓની આ મુલાકાત ગુજરાતમાં રોકાણોને આકર્ષવા તેમજ વિવિધ સેકટર્સમાં ટાઇ-અપ્સના નિર્માણ માટેનો હેતુ ધરાવે છે.
યુકેના અગ્રણીઓ સાથે ચર્ચા કરવા કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, રિન્યુએબલ એનર્જી, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ્સના ક્ષેત્રોની ઓળખ કરાઈ છે.
આ ડેલિગેશનની આગેવાની ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી મમતા વર્મા સંભાળશે. તેઓ યુકે અને ગુજરાત વચ્ચે બિઝનેસ અને ટેકનોલોજી ટાઈ-અપ્સ ઉપરાંત ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટસને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ડેલિગેટ્સના અન્ય સભ્યોમાં ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ટર મેગા ફુડ પાર્કના ડિરેક્ટર મનુ શ્રીવાસ્તવ, અદાણી ગ્લોબલ પીટીઈ લિમિટેડના યુકે એન્ડ યુરોપના સીઈઓ વિકાસ નાથ, ઝાયડસ ગ્રૂપના એડવાઇઝર સુનિલ પારેખ, ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સંજય રણધર, ઊર્મી સોલર સિસ્ટમ્સ લિમિટેડના સીઈઓ કિરીટકુમાર એચ. પટેલ, જિન્દાલ ટેક્સટાઇલ્સના એમ.ડી અને સીઈઓ અમિત અગ્રવાલ, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીના વાઈસ પ્રેસિડેન્ટ દિપેશ શાહ, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીના સીઈઓ અજય પાંડે, વેલસ્પન ગ્રૂપના કોર્પોરેટ એફેર્સના વડા ચિંતન ઠાકર, જૈવેલ યુરોપના સ્થાપક અને સીઈઓ વિપુલ વચ્છાની, સુઝલોન ગ્રૂપના ડિરેક્ટર હરીશ મહેતા, કેપીએમજીના આસિસ્ટન્ટ મેનેજર શ્રૃંખાલ શાહ તેમજ સીઆઈઆઈ ગુજરાતના રાજ્ય વડા સૈકત રોય ચૌધરીનો સમાવેશ થાય છે. આ તમામ પ્રતિનિધિઓ રસના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.