લંડનઃ તાજેતરમાં જ પ્રસિદ્ધ ‘ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ લંડન્સ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ’ રિપોર્ટ અનુસાર લંડનમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન અને અમેરિકા પછી ભારતીય વિદ્યાર્થીઓ ત્રીજા સ્થાને છે. આમ યુકેના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માર્કેટમાં ભારત ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત, ટોપ ૧૦ દેશોમાં ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોંગકોંગ, ગ્રીસ, મલેશિયા અને નાઇજીરિયાનો પણ સમાવેશ છે.
લંડનના મેયરની સત્તાવાર પ્રમોશન કંપની, લંડન એન્ડ પાર્ટનર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લંડનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ ગયા વર્ષે બ્રિટનની અર્થવ્યવસ્થામાં ત્રણ બિલિયન પાઉન્ડની આવક કરાવી હતી અને ૩૭,૦૦૦ નોકરીઓને ટેકો આપવામાં મદદ કરી હતી. રિપોર્ટ અનુસાર ૨૦૦૯-૧૦થી અહીં ભણવા આવતા ચીની વિદ્યાર્થીઓની સંખ્યા ૪૯ ટકા જેટલી વધી છે, જ્યારે ભારતીય માર્કેટમાં દર વર્ષે ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓએ અહીં અભ્યાસ પાછળ £૧૩૦ મિલિયન, જ્યારે ચીનના વિદ્યાર્થીઓએ £૪૦૭ મિલિયન અને અમેરિકનોએ £૨૧૭ મિલિયનનો ખર્ચ કર્યો હતો. ભારતીય વિદ્યાર્થીઓએ ૨૦૧૩-૧૪માં અહીં અભ્યાસ માટે ખર્ચેલા £૧૩૦ મિલિયનના ૪૩ ટકા એટલે કે £૫૩ મિલિયન ટ્યૂશન ફીમાં અને ૫૬ ટકા એટલે કે £૭૪ મિલિયન ગુજરાન પાછળ અને એક ટકા કરતા પણ ઓછી રકમ મિત્રો અને સગાંઓની મુલાકાત પાછળ ખર્ચ્યા હતા.