ઇસ્ટર હોલીડેઝ દરમિયાન સેન્ટ્રલ લંડનના હટન ગાર્ડન વિસ્તારના હટન ગાર્ડન સેફ ડિપોઝિટ લિમિટેડના ૭૨ જેટલા સેફ ડિપોઝિટ બોક્સિસ તોડીને પ્રોફેશનલ ગેંગ દ્વારા આશરે £૬૦ મિલીયનના હીરા, સોના તેમજ હિરાના દાગીના અને કિંમતી કાંડા ઘડિયાળો વગેરેની ચોરી કરાતા સમગ્ર બ્રિટનમાં ચકચાર મચી ગઇ હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ચુનંદા ડીટેક્ટીવ્સને કામે લગાવાયા છે. પરંતુ આ અહેવાલ લખાય છે ત્યારે મંગળવારે બપોર સુધી પોલીસને કોઇ નક્કર કડી કે સફળતા સાંપડી નથી. જોકે પોલીસને ઇસ્ટર્ન યુરોપીયન ગેંગ ઉપર શંકા છે અને કદાચ એકને અોળખવામાં સફળતા મેળવી છે. અમેરિકાના લોસ એન્જલસમાં પણ આવી રીતે જ ૧૯૮૦માં ચોરી કરાઇ હતી.
ખૂબ જ હાઇપ્રોફાઇલ ચોરીની આ ઘટનાને ચોરોએ જે રીતે અંજામ આપ્યો છે તે જોતાં પોલીસ માટે ચોરોને પકડવાનું અને તેમાંય ચોરાયેલ માલમત્તા કબ્જે કરવાનું અતિ મુશ્કેલ બનશે એમ નિષ્ણાંતો માની રહ્યા છે. પોલીસને શંકા છે કે આ ગેંગે લંૂટની રકમ વિદેશમાં પહોંચાડી દીધી છે.
કંપની હાઉસની નોંધણી મુજબ હટન ગાર્ડન સેફ ડિપોઝિટ લિમિટેડના ડિરેક્ટર તરીકે સુદાનના ખાર્ટુમમાં રહેતા મહેન્દ્રભાઇ બાવીશી (ઉ.વ. ૬૯) તેમજ નોર્થ લંડનના વેમ્બલીમાં રહેતા મનિષભાઇ બાવીશી (ઉ.વ.૩૮)ના નામ નોંધાયા છે. મનિષનો સંપર્ક કરાયો ત્યારે તેમના ભાડૂતે તેઅો વિદેશમાં હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ ચોરો તા. ૨ એપ્રિલના રોજ રાત્રે ૮-૨૦ કલાકે નજીકમાં આવેલી ગ્રેવીલ સ્ટ્રીટ દ્વારા એલી-વેમાં થઇને હટન ગાર્ડન સેફ ડિપોઝિટ લિમિટેડના બિલ્ડીંગના ફાયર એક્ઝીટ ડોર દ્વારા બિલ્ડીંગમાં પ્રવેશ્યા હતા. મનાય છે કે અગાઉથી જ કોઇ અોફીસમાં છુપાયેલ વ્યક્તિએ ફાયર એક્ઝીટ દરવાજો ખોલ્યો હશે. તેઅો લીફ્ટ દ્વારા બીજા માળ સુધી પહોંચ્યા હતા અને લીફ્ટને ત્યાં જ નુકશાન કરી અટકાવી દઇ દોરડા દ્વારા લીફ્ટ શાફ્ટમાંથી ભોંયતળીયાના ભાગે આવેલી સેફ વોલ્ટમાં ઉતર્યા હતા. ચોરોએ સૌ પહેલા એલાર્મ સિસ્ટમને તોડી નાંખી હતી અને સીસીટીવી કેમેરાની હાર્ડડિસ્ક ચોરી લીધી હતી.
ખૂબજ મજબુત આયોજન કરીને આવેલા ચોરોએ હેવી ડ્રીલ વડે સેફ વોલ્ટની ૭ ફીટ જાડી દિવાલમાં એક પછી એક કાણા કરી દિવાલ તોડી સેફ વોલ્ટમાં પ્રવેશ કર્યો હતો. બધું મળીને ચોરોએ સેફ વોલ્ટના ૭૨ જેટલા બોક્સને નાનકડી ડ્રીલ અને અન્ય સાધનો વડે તોડીને કિંમતી માલમત્તાની ચોરી કરી હતી. ચોરો રવિવાર તા. ૫ એપ્રિલના રોજ સવારે ૬-૪૦ કલાકે ચોરીનો તમામ મુદ્દામાલ કચરો ભરવાના વ્હીલી બીનમાં ભરીને એલી વે દ્વારા બહાર આવ્યા હતા અને સફેદ કલરની ફોર્ડ ટ્રાન્ઝીટ વાનમાં ભરીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ચોરોના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે.
એમ પણ કહેવાય છે કે શુક્રવારે બપોરે સેફ વોલ્ટનું એલાર્મ વાગ્યું હતું અને સિક્યુરીટી ગાર્ડ તેને ચેક કરવા પણ ગયો હતો. પરંતુ મુખ્ય દરવાજો અને પાછળનો દરવાજો હેમખેમ બંધ જોઇને તે પરત થઇ ગયો હતો. એમ પણ કહેવાય છે કે તેને પુરતો પગાર મળતો ન હતો. પોલીસને પણ આ એલાર્મની માહિતી મળી હતી, પરંતુ પોલીસે પણ તે તરફ ધ્યાન આપ્યું ન હતું એમ મનાય છે. પોલીસ સ્ટેશનને પણ આ અંગે તપાસના દાયરામાં લેવાયું છે.
એમ મનાય છે કે ડ્રીલીંગનો અવાજ સ્થાનિક રહેવાસીઅોને પણ સંભળાયો હતો પરંતુ તેમણે માન્યું હતું કે નજીકમાં ચાલતા ક્રોસ રેઇલના ખોદકામની મશીનરીનો આ અવાજ હશે.
સેફવોલ્ટની ૧૮ ઇંચ જાડી સ્ટીલની દિવાલને કાપવા માટે ચોરોએ Hilti DD350 ડ્રિલનો ઉપયોગ કર્યો હતો. ૩૫ કિલો વજનના આ ડ્રિલની કિંમત £૩,૪૭૫ જેટલી છે. સ્કોટ લેન્ડયાર્ડના ફ્લાઇંગ સ્ક્વોડના ભૂતપુર્વ અોપરેશનલહેડ બેરી ફીલીપ્સના મતે ચોરોએ આ પહેલા ખૂબ જ આયોજન કર્યું હશે અને સફળતાપૂર્વક ઘટનાને અંજામ આપ્યો છે. બનાવને જોતા બની શકે છે કે તેમની પાસે અંદરની માહિતી હોવી જોઇએ. તે માહિતી વિના આટલી સુરક્ષાને ભેદી શકાય નહિં. જો કે કંપનીમાંથી કોઇ ફૂટેલું હોય તેવા કોઇ પૂરાવા સાંપડ્યા નથી.
જે જગ્યાએ આ ચોરી થઇ છે તે વિસ્તારને હટન ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં ૩૦૦થી વધુ ડાયમન્ડ, ગોલ્ડ જેમ ડીલર્સ વેપાર કરે છે અને જેમની પાસે સેફ વોલ્ટની વ્યવસ્થા નથી તેવા લોકો હટન ગાર્ડન સેફ ડિપોઝીટ વોલ્ટમાં પોતાની માલમત્તા મૂકતા હતા. આ વિસ્તારની ૫૦ જેટલી દુકાનો ઘટનાના દિવસે હોલિડે હોવાથી બંધ હતી. પોલીસે હાલ સીસીટીવી કેમેરાના આધારે ચોરોની ઓળખ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
* ૧૯૭૫માં આ જ સ્થળે સશસ્ત્ર લુંટારાઅોએ સેફ ડિપોઝિટ બોક્સિસમાંથી £૧.૫ મિલિયન પાઉન્ડની માલમત્તાની લુંટ કરી હતી.
* ૨૦૦૩માં ગ્રાહક બનીને આવેલા ચોરોએ પણ આજ સ્થળેથી લોકર ખોલીને ચોરી કરી હતી.
* કુલ ૭૨ બોક્સ લુંટાયા જે પૈકી પોલીસે ૪૨ માલીકોનો સંપર્ક કર્યો.
* શેરીના બે કેમેરાના ૧૨૦ કલાકના વિડીયો ફૂટેજની તપાસ ચાલુ.
* કુલ છ ચોરો હોવાનું અનુમાન. પોલીસે તેમના કદ, વય અને વાળના રંગ મુજબ ઉપનામ આપ્યા.
* 'પિંક પેંથર' ગેંગ આવી ચોરીઅોને અંજામ આપે છે અને તે ગેંગે બ્રિટન ઉપરાંત UAE, જપાન, સ્વીટ્ઝરલેન્ડ, ફ્રાન્સ અને મોનાકોમાં ચોરીઅો કરી છે.
* ઘટનામાં વપરાયેલ ડ્રીલ નજીકની ફેટર લેનમાંથી ચોરી કરાઇ હોવાની શંકા.
* સેફ બોક્સીસ ખોલવા ચોરોએ નાના ડ્રીલ અને એંગલ ગ્રાઇન્ડર્સ વાપર્યા હતા.
* ભારે સાધનો અને ડ્રીલ લાવવા કચરો ભરવાના વ્હીલી બીન વાપર્યા અને તેમાં જ દાગીના અને હીરા ભરી લઇ ગયા.
* હીરા નાના સેફ બોક્સીસમાં મૂકાતા હોવાથી નાના બોક્સને નિશાન બનાવ્યા
* સર બેન કિંગ્ઝલી અને રે વિન્સ્ટનને ચમકાવતી 'સેક્સી બિસ્ટ' ફિલ્મમાં પણ આવી રીતે ચોરી કરાઇ હતી. બીજી હોલીવુડ ફીલ્મોના પ્લોટ પણ આવા જ હતા.
* માઇકલ કોનેલી દ્વારા લખાયેલ બ્લેક એકો નામની નોવેલમાંથી આ ચોરી માટે પ્રેરણા લેવાઇ હોવાનું મનાય છે. એલ.એ.માં ૧૯૮૬-૮૭માં કુલ ત્રણ સેફ વોલ્ટ તોડાયા હતા.