લંડનઃ સ્ટેમ્પ ડ્યુટીના ઊંચા દરથી પ્રોપર્ટી ખરીદારો ઘટશે તેવા ભયને જાકારો મળ્યો છે. HMRC ના વર્ષ ૨૦૧૫-૧૬ના આંકડા અનુસાર લંડનમાં મકાનોના વેચાણ પર વસૂલ કરાયેલી સ્ટેમ્પ ડ્યુટીની આવક ૩૪૦ મિલિયન પાઉન્ડ એટલે કે ૧૧ ટકા વધી ૩.૪ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી છે. મલ્ટિમિલિયન પાઉન્ડની પ્રોપર્ટી સંબંધે સ્ટેમ્પ ડ્યુટીના નવા દર ૨૦૧૪ના અંત ભાગના દાખલ કરાયા હતા.
રાજધાનીમાં વસૂલ કરાયેલી સ્ટેમ્પ ડ્યુટી ૨૦૦૮-૦૯ના આંકડાની સરખામણીએ ૨૨૭ ટકા વધુ છે, જે મકાનોની કિંમતમાં તેમજ ડ્યુટીની દરમાં તીવ્ર વધારો સૂચવે છે. લંડનમાં પ્રોપર્ટીના વેચાણમાં લગભગ ચાર ટકાનો જ વધારો થયો છે પરંતુ, ઊંચા દરના લીધે આવક વધી છે અને મકાનો ૯૩૭,૦૦૦ પાઉન્ડથી વધુ મોંઘા બન્યાં છે.
લંડનની બહાર નવા દરના કારણે મકાનોના વેચાણ પર ડ્યુટીની આવક ઘટી છે. તમામ વિસ્તારોમાં સોદાની સંખ્યા વધી છે પરંતુ, રેવન્યુ ૨૧ ટકા જેટલી ઘટી છે. ઈંગ્લેન્ડમાં ૧.૧ મિલિયન નિવાસસોદાઓના ૭.૨ બિલિયન પાઉન્ડની રેવન્યુ આવકમાં લંડન અને બાકીના સાઉથ-ઈસ્ટનો હિસ્સો અનુક્રમે ૩.૪ બિલિયન પાઉન્ડ અને ૧.૬ બિલિયન પાઉન્ડ છે. નોર્થ-ઈસ્ટ ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં અનુક્રમે માત્ર ૫૫ મિલિયન પાઉન્ડ અને ૨૦ મિલિયન પાઉન્ડની જ રેવન્યુ મળી છે.