લંડનમાં ૬૨ મજલાનું ટાવર બંધાશે

Wednesday 02nd November 2016 05:29 EDT
 
 

લંડનઃ યુકેમાં બ્રેક્ઝિટ વોટના કારણે કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં સર્જાયેલી અનિશ્ચિતતા છતાં લંડન સિટીની ક્ષિતિજે સૌથી ઊંચી ૬૨ મજલાની ગગનચૂંબી ઈમારત એટલે કે ૨૭૮ મીટરની ઊંચાઈનું ટાવર તૈયાર થવાનું છે. ૨૨ બિશપ્સગેટ જગ્યાના માલિકોએ આ ટાવરના નિર્માણને સમર્થન આપ્યું છે.

અગાઉ, લિવરપૂલ સ્ટ્રીટ સ્ટેશન નજીકના આ સ્થળે પિનેકલ અથવા ‘હેલ્ટર સ્કેલ્ટર’ નામે ટાવર બંધાવાનું હતું, જે હવે ૨૨ બિશપ્સગેટ તરીકે ઓળખાશે. લંડનના ફાઈનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં સૌથી ઊંચી બની રહેનારી આ ઈમારત AXA Investment Managers Real Assets દ્વારા ડેવલપ કરાશે. આ બિલ્ડિંગ ૨૭૮ મીટર ઊંચી હશે અને ૧૦ વર્ષ અગાઉની મૂળ ડિઝાઈન કરતા ૧૦ મીટર ઓછી રહેશે. AXA IMસહિતના કોન્સોર્ટિયમે ૨૦૧૫માં આ સાઈટ માટે ૩૦૦ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા.

યુકેમાં ૨૩ જૂનના રેફરન્ડમ અગાઉ AXA IMના ચીફ એક્ઝિક્યુટિવ પિયરે વાક્વિયરને ટાંકતા બ્લૂમબર્ગમાં જણાવાયું હતું કે જો ઈયુ છોડવાનો મત આવશે તો વિકલ્પો નવેસરથી તપાસવા પડશે. જોકે, તેમણે હવે સ્પષ્ટ કર્યું છે કે ફ્રેન્ચ માલિકીની ફંડ મેનેજમેન્ટ લાંબા ગાળાની દૃષ્ટિથી નિહાળે છે. પાંચ વર્ષ અગાઉ બાંધકામ અટકી ગયું હતું પરંતુ, હવે ૨૦૧૯ સુધીમાં કાર્ય પૂર્ણ થવાની આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter