ભારત બહાર સ્થાયી થયેલા ગુજરાતીઓ જ્યારે માદરે વતનની મુલાકાતે જાય છે ત્યારે ક્યારેક એવા માઠા અનુભવ થાય છે કે તેઓ ભૂલી નથી શકતા. હાલમાં ભારતની મુલાકાત લઇને પરત ફરેલા એક સિનિયર સિટિઝને પોતાની વ્યથા ગુજરાત સમાચાર સમક્ષ વ્યક્ત કરી. અમદાવાદથી વડોદરા જતી વખતે રાત્રે 2 વાગ્યે એમની પાસે હાજર રોકડ (12,000 રૂપિયા અને 40 પાઉંડ) ઝુંટવી લેવાયા, અને પૈસા પડાવનાર બીજા કોઇ નહિં, પોલીસવાળા જ હતા. કારણ આટલું હતું કે સિનિયર સિટિઝન હિથ્રો એરપોર્ટથી લિકરની બે બોટલ લઇ ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ પર પરમિટની સગવડ હતી નહીં. પોલીસે પરમિટના નામે રોકડ અને લિકરની એક બોટલ લઈને પતાવટ કરી લીધી. હવે પ્રશ્ન એ છે કે જો સિનિયર સિટિઝને લિકર બોટલ લાવીને નિયમોનો ભંગ કર્યો હોય તો પોલીસ કે જેની પાસે કાયદો-વ્યવસ્થાના પાલનની, લોકોના રક્ષણની જવાબદારી છે, રોકડ -બોટલની લૂંટ ચલાવી, અપમાનિત કરીને કયો દાખલો બેસાડ્યો છે?
સિનિયર સિટિઝને માહિતી આપતા જણાવ્યું કે, અમે અમદાવાદ એરપોર્ટ પર પરમિટ માટે તપાસ કરી પણ ત્યાં હવે પરમિટ અપાતી નથી. આ અમને ખબર જ નહોતી. એરપોર્ટ પર પરમિટની સગવડ નથી તો પછી ત્યાં ડ્યુટી ફ્રી શોપ કેમ છે? પરદેશથી રોજેરોજ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમદાવાદ આવે છે. બધાને પોલીસ એ રીતે હેરાન કરે છે કે જાણે તેઓ આતંકવાદી હોય. વતનની માટી પર પગ મૂકતા જ ખુશીની જગ્યાએ પીડા મળે છે. સિનિયર સિટિઝને ઉમેર્યું કે, આ ઘટનાના અઠવાડિયા પછી મારી ભત્રીજી અમદાવાદના એક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી રાત્રે વડોદરા જવા નીકળી. એની જોડે પણ અમદાવાદ બોર્ડર પર પોલીસ દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરાયું. મારી ભત્રીજીએ પોલીસને વિનંતિ કરી, ડિસ્ચાર્જ લેટર આપ્યો છતાં પોલીસે વાહન ઉભો રાખીને બધી બેગ્સ ખોલાવી. વતન આવેલા ગુજરાતીને સન્માન મળવું જોઇયે. પોલીસ ખોટી રીતે હેરાન કે લૂંટ કરવાને બદલે મદદ કરે, માર્ગદર્શન આપે એવી અપેક્ષા રાખીયે છીયે. પરદેશથી આવેલા લોકો માટે એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક કે એલર્ટ ડેસ્ક શરૂ કરવું જોઇયે, જેથી NRGsને સાચી માહિતી મળી શકે.
શું છે નિયમ?
ઇંટરનેશનલ પેસેંજર પાસપોર્ટના આધારે 2 બોટલ લિકર ખરીદીને લઈ જઈ શકે. પછી જરૂરિયાત પ્રમાણે પરમિટ લઇ શકાય. એરપોર્ટ પર પરમિટ બનાવી આપવાની સગવડ હવે બંધ છે. આની જગ્યાએ પ્રક્રિયા ઓનલાઇન થઇ ગઇ છે.
પોલીસ ખોટી રીતે હેરાન કરે તો ડર્યા વગર ફરિયાદ કરો
જો પોલીસ ખોટી રીતે હેરાન કરે તો જે તે પોલીસ વડાને મળી ફરિયાદ કરી શકાય કે કંટ્રોલ રૂમ પર સીધી સૂચના આપો.