લંડનઃ હેરોની બિઝનેસવુમન માનસી અધોલિયા આ મહિને લંડનવાસીઓ માટે પોતાની નવી બિઝનેસ એપ ‘Aunty Ji’ને લોન્ચ કરી રહ્યા છે. આમ તો, ફ્રી એપ ૧૦ ડિસેમ્બરે લોન્ચ થવાની હતી પરંતુ, ભારે બરફવર્ષા અને ઠંડીના વાતાવરણના લીધે તેને મુલતવી રાખવામાં આવી હતી. લંડનવાસીઓ માટે એપ ડિરેક્ટરીમાં ૫૦૦થી વધુ બિઝનેસીસ દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયું હોવાનું કહેવાય છે. આ એપનું લોન્ચિંગ હેરોના મેયર માર્ગારેટ ડાવિન અને મેયરેસ મેરીલીન ડાવિનની ઉપસ્થિતિમાં હેરો સિવિક સેન્ટર ખાતે કરવામાં આવનાર છે.
આ ફ્રી એપ લંડનમાં નાના અને સ્ટાર્ટ-અપ બિઝનેસીસ માટે પ્લેટફોર્મ પુરું પાડશે. મિસ માનસી અધોલિયાએ જણાવ્યું હતું કે ‘આ એપ ટ્યુટર્સ, ફોટોગ્રાફર્સ, પ્લમ્બર્સ, બેકર્સ અને મેક-અપ આર્ટિસ્ટ્સ જેવાં લોકો માટે સ્થાનિક ડિરેક્ટરી સમાન’ બની રહેશે. ફ્રી એપ ‘Aunty Ji’ એપ સ્ટોર અને ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાશે.
એપનું લોન્ચિંગ ૧૦ ડિસેમ્બરે થવાનું હતું, જેને બરફવર્ષા નડી હતી. આ મહિનાના અંતમાં લોન્ચિંગ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે.