લંડનઃ ભાડાની વાર્ષિક સમીક્ષા અગાઉ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (Tfl)એ શહેરમાં મુસાફરી માટે જરૂર કરતાં વધુ રકમનો ખર્ચ ન થાય તે માટે તેઓ યોગ્ય ટિકિટ ખરીદે છે કે નહિ તે ચકાસવા નાગરિકોને અનુરોધ કર્યો છે. અગાઉ, જાહેર કરાયા મુજબ લંડનના મેયર સાદિક ખાને Tfl દ્વારા નિયત કરાયેલા તમામ ભાડાં આગામી ૨૦૨૦ સુધી યથાવત રાખ્યા છે. તે મુજબ બસ અથવા ટ્રામમાં મુસાફરી માટે લોકો ૨૦૧૬માં જે રકમ ચૂકવતા હતા તેનાથી એક પણ પેની તેમણે વધારે ચૂકવવાની નથી.
જોકે, મેયરને માત્ર Tfl સેવાઓના ભાડાં નક્કી કરવાની સત્તા છે. ટ્રાવેલ કાર્ડ્સ અને તેની દૈનિક અને અઠવાડિક કેપ્સના દરમાં RPIફુગાવાને સુસંગત વધારો થશે. અગાઉ જણાવ્યા મુજબ આ વર્ષે ભાડાંમાં ૨ જાન્યુઆરી, ૨૦૧૭થી દેશભરમાં સરેરાશ ૨.૩ ટકાનો વધારો થયો છે.
ટ્યુબ દ્વારા એઝ યુ ગો જર્ની, DLR, એમીરેટ એરલાઈન્સ અને રેલસેવાઓ જ્યાં Tfl ના ભાડાં લાગૂ પડે છે તે તમામ યથાવત જાળવી રખાશે. લંડનમાં લોકોને મુસાફરી માટે સાયકલ વધુ ઉપયોગ કરે તે માટે સેન્ટેન્ડર સાઈકલ્સના દર પણ યથાવત રખાયા છે.
બસ અને ટ્રામ માટે એક પર બે હૂપર ભાડાની મેયરે ગત વર્ષે શરૂ કરાવેલી સ્કીમ અને ડેઈલી કેપિંગને લીધે લોકો પે એઝ યુ ગોનો વધુ ઉપયોગ કરીને લંડનમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકશે.
Tflના ચીફ ટેક્નોલોજી ઓફિસર શશી વર્માએ જણાવ્યું હતું કે ભાડાં યથાવત જાળવી રાખવાથી અમારા નેટવર્કનો ઉપયોગ લંડનવાસીઓને પોસાય છે. ગ્રાહકોને અન્ય વિકલ્પનો ઉપયોગ કરીને પેપર ટિકિટ માટે વધુ રકમ ન ખર્ચવાની સલાહ છે. ઓયસ્ટર અને કોન્ટેક્ટલેસ સાથે પે એઝ યુ ગો દ્વારા ચૂકવણી થાય તો તમારે મુસાફરી માટે નિયત કરતાં જરા પણ વધુ રકમ ચૂકવવી પડે નહિ. અમે સિસ્ટમને વધુ સાદી અને ઉપયોગ માટે સરળ બનાવવા માગીએ છીએ અને આગામી વર્ષોમાં ઘણાં સુધારા કરીશું.