લંડનઃ એમ કહેવાય છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ યોગ્ય ગણાય છે. જોકે, પ્રિય પાત્રને મેળવવા જૂઠાણાંનો આશરો સારો કહેવાય નહિ. વાર્ષિક માત્ર £૬,૦૦૦ની કમાણી કરતા એક ફિલ્મ મેકરે પ્રિય પાત્ર સાથે લગ્ન કરવા પોતાની વાર્ષિક કમાણી અનેકગણી વધારી £૨૮૦,૦૦૦ હોવાની બડાશ મારી હતી. વાસ્તવમાં તેની નજર ભાવિ પત્નીને મળેલા £૩૭ મિલિયનના વારસા પર હતી. તે માત્ર નાણા ખાતર લગ્ન કરતો હોવાનું ન જણાય તે માટે તેણે પોતાની આવક વધારીને કહી હતી. લગ્નના ૧૩ વર્ષ પછી છૂટાછેડાના કેસમાં ડેપ્યુટી હાઈ કોર્ટ જજ નિકોલસ કસવર્થે તે પુરુષને આશરે £૨ મિલિયનનું પેકેજ મળે તેવો ચુકાદો આપ્યો છે. આ વાત ધનવાન, એકલવાયી અને ભોળી વ્યક્તિઓ અને ખાસ કરીને સ્ત્રીઓ માટે ચેતવણી સમાન છે.
દંપતીએ ૨૦૦૨માં લગ્ન સમયે એવો કરાર કર્યો હતો કે છૂટાછેડા થાય તો કોઈ પક્ષકાર નાણાકીય દાવો કરશે નહિ. આ કરાર છતાં પુરુષને નાણાકીય લાભ અપાયો હતો. નાની નિર્માણ કંપની ચલાવતા ફિલ્મ નિર્માતાએ લગ્ન સમયે પોતે નાણાકીય રીતે સ્વતંત્ર હોવાનું દર્શાવવા તેની સંપત્તિ આશરે £૧.૨ મિલિયન અને કુલ કમાણી £૨૮૦,૦૦૦હોવાનો દાવો કર્યો હતો. તેણે વાર્ષિક રોયલ્ટીની રકમ £૮,૦૦૦ હોવા છતાં તે £૮૦,૦૦૦ હોવાનો દાવો કર્યો હતો.
લંડન હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝનના જજે પૂર્વ પતિને ઘર માટે £૧.૭ મિલિયન અને ઉચ્ચક £૨૧૫,૦૦૦ની રકમ આપવા પત્નીને આદેશ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે છૂટાછેડાના કેસમાં નાણાકીય વળતર આપવા વિશે કાયદામાં સ્પષ્ટ માર્ગરેખા હોવી આવશ્યક છે.