લંડનઃ એક વર્ષના નાના બાળક અને બે ગ્રાન્ડપેરન્ટ્સ સાથે લૂટનનો ૧૨ વ્યક્તિનો ત્રણ પેઢીનો બાંગલાદેશી પરિવાર Isisના કબજા હેઠળના સીરિયા પહોંચી ગયો હોવાની જાહેરાત પરિવારના મોભી મોહમ્મદ અબ્દુલ મન્નાને કરી છે. મોહમ્મદ અબ્દુલ મન્નાન અને તેમના પત્ની મિનેરા ખાતુન દ્વારા નિવેદનમાં ત્રણ સંતાનો સહિત યુદ્ધગ્રસ્ત સીરિયા જવાના નિર્ણયનો બચાવ કરાયો હતો. મન્નાન પરિવારના નિવેદન અને તસવીરોનો ઉપયોગ Isis દ્વારા પ્રચાર તરીકે કરાઈ રહ્યો છે.
મોહમ્મદ અબ્દુલ મન્નાને ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદીઓ દ્વારા જારી કરાયેલા ૫૦૦ શબ્દના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ઈસ્લામિક સ્ટેટની ભૂમિમાં આવી પહોંચ્યા છીએ. અમારા પર કોઈ બળજબરી કરાઈ નથી. આ ભૂમિ ભ્રષ્ટાચાર અને માનવસર્જિત કાયદાના દમનથી મુક્ત છે અને અલ્લાહના સંપૂર્ણ અને ન્યાયી કાયદા શરીઆથી સંચાલિત છે. વિશ્વના તમામ ખૂણેથી હજારો અને હજારો મુસ્લિમો દરરોજ ઈસ્લામિક સ્ટેટની ભૂમિમાં આવી રહ્યા છે ત્યારે અમારી ૧૨ની સંખ્યાથી શા માટે આઘાત લાગવો જોઈએ?’
આ પરિવાર ૧૦ એપ્રિલે બાંગલાદેશની મુલાકાતે ગયો હતો અને યુકે પાછા ફરતા ૧૧ મેએ તુર્કીના ઈસ્તંબૂલમાં રોકાણ કર્યું હતું અને ૧૭ મેથી તેઓ લાપતા છે. આ પરિવારની જ ૨૧ વર્ષીય રજિયા ખાતુનને સીરિયા જતી હોવાની શંકાતી નવ એપ્રિલે હીથ્રો વિમાનમથકે ફ્લાઈટમાં બેસતા અટકાવાઈ હતી. જોકે, ઉદ્દામવાદી ઉપદેશક અંજેમ ચૌધરીના ઈસ્લામવાદી જૂથ સાથે સંપર્ક હોવાની શંકા છતાં તેની ધરપકડ કરાઈ ન હતી. મન્નાન સાથે તેના પત્ની, પુત્રી મિસ ખાનોમ, પુત્રો મોહમ્મદ ઝાયેદ હુસૈન, મોહમ્મદ તોફિક હુસૈન, મોહમ્મદ અબીલ કાસેમ સાકેર અને તેની પત્ની શયદા ખાનમ, મોહમ્મદ સાલેહ હુસેન અને તેની પત્ની રોશનઆરા બેગમ તથા ત્રણ ગ્રાન્ડચિલ્ડ્રન સીરિયા પહોંચ્યા છે.