લંડનઃ સામાન્ય ચૂંટણીમાં એડ મિલિબેન્ડના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટીનો રકાસ અને તેમના રાજીનામાના પગલે પક્ષના નવા નેતાની પસંદગી સપ્ટેમ્બર મહિનામાં થવાની જાહેરાત કરાઈ છે. પક્ષના નેતા બનવા શેડો હેલ્થ સેક્રેટરી એન્ડી બર્નહામ, શેડો બિઝનેસ સેક્રેટરી ચુકા ઉમન્ના, શેડો કેર સેક્રેટરી લિઝ કેન્ડાલ અને શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપરે ઉમેદવારી જાહેર કરી દીધી છે. જોકે, ઉમન્નાએ માત્ર ત્રણ દિવસ પછી ઉમેદવારીમાંથી પીછેહઠ કરી છે. શેડો એજ્યુકેશન સેક્રેટરી ટ્રિસ્ટ્રામ હન્ટ પણ ઉમેદવારી જાહેર કરે તેવી શક્યતા છે. ઈલેકશન ૨૦૧૫માં લેબર પાર્ટીના ૨૩૨ સભ્ય ચૂંટાઈ આવ્યા છે.
કૂપર અને બર્નહામ જેવા જૂના જોગીઓ મેદાનમાં આવ્યા પછી પાર્ટીની નેશનલ એક્ઝીક્યુટિવ કમિટીએ ગયા વર્ષની ‘એક સભ્ય, એક મત’ સિસ્ટમ હેઠળ નવા નેતા અને નાયબ નેતાની વરણી માટે ચાર મહિનાનું અભિયાન જાહેર કર્યું છે. સભ્યોને મત માટે નોંધણીની આખરી તારીખ ૧૨ ઓગસ્ટ છે અને નેતાની જાહેરાત શનિવાર ૧૨ સપ્ટેમ્બરે કરાશે. જૂન ૮ અને જૂન ૯ અનુક્રમે નેતા અને નાયબ નેતાની ઉમેદવારીનો આરંભ કરાશે, જ્યારે જૂન ૧૫ અને જૂન ૧૭ની બપોર સુધી આખરી દિવસ છે. ૧૪ ઓગસ્ટે મતપત્રો મોકલાશે અને ૧૦ સપ્ટેમ્બરે મતદાન પૂર્ણ થશે. મિલિબેન્ડના રાજીનામા પછી નવા ૩૦,૦૦૦ જેટલા સભ્યો પક્ષમાં સામેલ થયાં છે. યુનિયનો તેમના વધુ સભ્યોને લેબર પાર્ટીમાં જોડાવા પ્રોત્સાહિત કરશે, જેથી તેઓ પણ મત આપી શકે.
કાર્યકારી નેતા હેરિયટ હરમાને જણાવ્યું હતું કે,‘આપણી સામેનો પડકાર શીખવા અને સાંભળવા તેમજ ટોરી સરકારને લડત આપી શકે અને બ્રિટન માટે ઉભા રહી શકે તે રીતે લેબર પાર્ટીનું પુનઃ નિર્માણ કરી શકે તેવા નવા નેતા અને નાયબ નેતાની પસંદગીમાં આ સમયનો ઉપયોગ કરવાનો છે.’
ઉમન્ના, કેન્ડાલ અને હન્ટ ૨૦૧૦માં ચૂંટાયેલા સાંસદો છે. સૌપ્રથમ લેસ્ટર વેસ્ટના સાંસદ લિઝ કેન્ડાલે નેતાપદના મેદાનમાં ઝૂકાવ્યુ હતુ. પૂર્વ વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ઈવેટ કૂપર આ ચૂંટણીમાં પરાજિત અને પૂર્વ શેડો ચાન્સેલર એડ બોલ્સના પત્ની છે. તેમણે બ્રિટનના પરિવારોનું જીવન સારું બનાવવાની હાકલ કરવા સાથે કહ્યું હતું કે પક્ષ મતદારોને સારી આશા આપવામાં નિષ્ફળ ગયો હતો. તેમના પતિ એડ બોલ્સે ૨૦૧૦માં નેતાપદના જંગમાં ઝૂકાવ્યુ હતુ. ૪૬ વર્ષીય કૂપરને બર્નહામ તરફથી મજબૂત પડકાર મળી શકે છે. લેઈઘના સાંસદ બર્નહામે ૨૦૧૦માં પણ પક્ષના નેતા બનવા ઉમેદવારી કરી હતી. સ્ટ્રેધામના ૩૬ વર્ષીય સાંસદ અને પૂર્વ વકીલ ચુકા ઉમન્ના સ્પષ્ટવક્તા રાજકારણી છે. જોકે, તેમણે અંગત જીવન પર ભારે દબાણ આવવાનું કારણ દર્શાવી ઉમેદવારી પાછી ખેંચી છે. હવે તેઓ નવા નેતા હેઠળ શેડો ફોરેન સેક્રેટરીનું પદ મેળવવાની આશા ધરાવે છે. ભવિષ્યમાં નેતાપદ માટે ઉમેદવારી કરવાની ઈચ્છા પણ ઉમન્નાએ વ્યક્ત કરી હતી. કૂપર અને બર્નહામને લેબર પાર્ટીના ૨૩૨ સાંસદમાંથી ૩૫ સભ્યનું નોમિનેશન મેળવવામાં કોઈ મુશ્કેલી નડે તેમ લાગતું નથી.