લંડનઃ વંશીય લઘુમતી મતદારો મોટા પાયે લેબર પાર્ટીને છોડી રહ્યાં હોવાનું એક પોલિંગના તારણો જણાવે છે, જે પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં મોટું નુકસાન કરાવી શકે છે. બીબીસી વ્યૂઝનાઈટ દ્વારા બ્રિટિશ ઈલેક્શન સ્ટડીના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું, જે અનુસાર એડ મિલિબેન્ડને અશ્વેત અને એશિયન વોટ્સના માત્ર ૪૭ ટકા વોટ્સ જ મળી શકે છે. ૨૦૧૦માં ગોર્ડન બ્રાઉનને ૬૯ ટકા અશ્વેત અને એશિયન વોટ્સ મળ્યાં હતાં. લેબર પાર્ટીએ એશિયન અને અશ્વેતોના મત તેમને જ મળશે તેમ માની લીધું હોવાનું કહેવાય છે. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટીને આ બે સમુદાયોનું સમર્થન સાત ટકા વધી ૨૩ ટકા થયું છે, જે ૨૦૧૦માં માત્ર ૧૬ ટકા હતું. ધ બ્રિટિશ ઈલેક્શન સર્વે દ્વારા માર્ચમાં ૨૦,૦૦૦થી વધુ લોકોના અભિપ્રાય જાણવા ઈન્ટરનેટ પોલિંગનો ઉપયોગ કર્યો હતો. આ ડેટા અનુસાર લિબરલ ડેમોક્રેટ્સ અને ગ્રીન પાર્ટીને વંશીય મતના છ ટકા મળશે. કદાચ Ukip ને પાંચ ટકા વંશીય મત મળી શકે છે. ૨૦૧૦માં કેટલાંક વિશ્લેષકોએ જણાવ્યું હતું કે જો ડેવિડ કેમરનને સામાન્ય લોકોમાંથી મળેવાં મતની માફક વંશીય મતદારોનો ટેકો પણ મળ્યો હોત તો ટોરી પાર્ટી બહુમતી મેળવી શકી હોત.આજે ટોરી પાર્ટીની તરફેણ વધી હોવાં છતાં તેને ઘણી બેઠકોનો લાભ મળે તેમ લાગતું નથી. ન્યૂઝનાઈટના પોલિંગ નિષ્ણાત ક્રિસ હેનરેટી જણાવે છે કે લંડનમાં છ ટોરી બેઠકો લેબર પાર્ટીના ફાળે જવાની શક્યતા છે કારણકે અહીં લેબર હજુ પણ બ્લેક અને એશિયન મતદારોમાં ૬૬ ટકા સમર્થન ધરાવે છે.