ઓક્સફર્ડ, માન્ચેસ્ટર અને એસેક્સ યુનિવર્સિટીઓ દ્વારા હાથ ધરાયેલાં એથનિક માઈનોરિટી બ્રિટિશ ઈલેક્શન સ્ટડીના માન્ચેસ્ટર યુનિવર્સિટીના નિષ્ણાત આલેખક ડો. મારીઆ સોબોલેવસ્કા અને તેમની ટીમના અભ્યાસ અનુસાર એડ મિલિબેન્ડની લેબર પાર્ટીને વર્ષોથી વંશીય લઘુમતી અને ખાસ કરીને આફ્રિકન-કેરેબિયન મૂળના મતદારોનું પરંપરાગત સમર્થન મળતું રહ્યું છે. જોકે, ૧૯૯૭માં ૭૯ ટકા આફ્રિકન અને ૭૮ ટકા કેરેબિયન મતદારોએ લેબર પાર્ટીનું સમર્થન કર્યું હતું, જે હવે ઘટીને અનુક્રમે ૬૩ ટકા અને ૬૭ ટકાએ પહોંચ્યું છે. અન્ય વંશીય જૂથ પાકિસ્તાની મૂળના ટેકેદારોની સંખ્યા ૭૭ ટકાથી ઘટીને ૫૭ ટકા થઈ છે.
અન્ય સંશોધનની આગાહી મુજબ 2050માં બ્રિટનના અશ્વેત અને વંશીય સમુદાયોનું પ્રમાણ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું થઈ જશે. અત્યારે યુકેની કુલ વસ્તીના ૧૪ ટકા એટલે કે આઠ મિલિયન લોકો વંશીય લઘુમતીના છે, પરંતુ તેમની વસ્તીવૃદ્ધિનો દર ૮૦ ટકા છે, જ્યારે શ્વેત વસ્તી યથાવત રહી છે. પોલિસી એક્સચેન્જ થિન્ક ટેન્કના નિષ્ણાતોની આગાહી અનુસાર સદીની મધ્યે લઘુમતી સમુદાયોનું પ્રમાણ કુલ વસ્તીના ૨૦થી ૩૦ ટકાની વચ્ચે અથવા ૧૬ મિલિયન લોકોનું થઈ જશે.
ગત ચુંટણીના આધારે કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણમાં વંશીય લઘુમતીના મતનું પ્રમાણ વધારવાના પ્રયાસો વડા પ્રધાન કેમરને કરવા જોઈએ તેવી હિમાયત પક્ષના રણનીતિજ્ઞ લીન્ટન ક્રોસ્બીએ કરી છે. લંડનના મેયર માટે ૨૦૧૨ની ચૂંટણીમાં બોરિસ જ્હોન્સને નેન-વ્હાઈટ સમુદાયોના મત મોટી સંખ્યામાં મેળવ્યા હતા. જોકે, ડો. સોબોલેવસ્કા કહે છે કે વંશીય લઘુમતીના મતદારો લેબર પાર્ટીથી વિમુખ થઈ રહ્યા છે તેનો અર્થ એવો નથી કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીની તરફેણ કરશે.