લંડનઃ સ્ટોક સેન્ટ્રલમાં આગામી પેટા ચૂંટણી સંદર્ભે લેબર પાર્ટી અને Ukip વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. ગુરુવાર ૨૩ ફેબ્રુઆરીના બાય ઈલેક્શનમાં મુસ્લિમ મતદારો લેબર પાર્ટીના ઉમેદવાર ગેરેથ સ્નેલને મત નહિ આપે તો નર્કમાં જવું પડશે તેવી ચેતવણી સાથેના ટેક્સ્ટ સંદેશાઓ મુસ્લિમ કોમ્યુનિટીના સભ્યોને મોકલવામાં આવતા ગરમાગરમી વ્યાપી ગઈ હતી.
આ વિવાદાસ્પદ મેસેજીસ લેબર પાર્ટીના સ્થાનિક કાર્યકર્તા નાવિદ હૂસૈન દ્વારા મોકલાયા છે. સ્ટોકમાં સાત ટકા વસ્તી મુસ્લિમ સમુદાયની છે. Ukip ને વિજેતા બનતી અટકાવવા આવો પ્રચાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર ડો. ઝુલ્ફીકાર અલી પણ મુસ્લિમ છે. તેમને મત આપવાથી પણ મુસ્લિમવિરોધી Ukip વિજેતા બની શકે તેમ ચેતવણી સંદેશાઓમાં જણાવાયું છે.
લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા આ મેસેજીસ વિશે પોલીસ અને ઈલેક્શન વોચડોગને જાણકારી આપવામાં આવી છે. લિબ ડેમના નેતા ટીમ ફેરોને આવા અપપ્રચારને રાજકીય મત પર નહિ પરંતુ, ધાર્મિકતાનો આશરો લઈ લોકો પર દબાણ લાવવાનો ચિંતાજનક અને ગંભીર પ્રયાસ ગણાવ્યો હતો. લેબર સાંસદ ટ્રિસ્ટ્રામ હન્ટે મ્યુઝિયમના વડા બનવા માટે પક્ષમાંથી રાજીનામું આપ્યાના કારણે આ પેટાચૂંટણી યોજાઈ રહી છે. લેબર ઉમેદવાર સ્નેલ ખુદ મહિલાવિરોધી ટીપ્પણીઓના વિવાદમાં સંડોવાયેલા છે.