લંડનઃ કોરોના વાઈરસ સંબંધિત નવા નિયંત્રણોના મામલે લંડનમાં લોકડાઉન વિરોધી અને મિલિયન માસ્ક માર્ચના દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. ૫મી નવેમ્બરે સાંજે લંડનમાં ટ્રફલ્ગાર સ્ક્વેર ખાતે બીજા રાષ્ટ્રીય લોકડાઉન તેમજ માસ્ક પહેરવાના નિયમ બાબતે દેખાવો દરમિયાન ઓફિસર્સને બોલાવવાની ફરજ પડી હતી. જેરેમી કોર્બિનના ૭૩ વર્ષીય ભાઈ પીયર્સ અગાઉની રેલીમાં ૧૦,૦૦૦ પાઉન્ડનો દંડ કરાયો હોવા છતાં ટોળાંની વચ્ચે મેગાફોન લઈને ઉભા હતા. કમાન્ડર જેન કોનર્સે જણાવ્યું કે ઓફિસરોએ ૧૦૪ લોકોની ધરપકડ કરી હતી જે પૈકી મોટાભાગની કોવિડ -૧૯ના નિયમના ભંગ બદલ કરાઈ હતી. સિટી ઓફ લંડન અને મેટ્રોપોલિટન પોલીસ બન્ને દ્વારા દેખાવકારોને તેમના ઘરે પાછા જવા અનુરોધ કરાયો હતો. એક ઓફિસરે ગ્રૂપ તરફ બૂમ પાડી હતી 'તમે કાયદાનો ભંગ કરી રહ્યા છો.' ઘણાં દેખાવકારોના હાથમાં પ્લેકાર્ડ હતા. જેમાંના એકમાં 'નો મોર લોકડાઉન, નો મોર કવર અપ્સ, નો મોર માસ્ક્સ, નો મોર લાઈઝ' લખેલું હતું. એક દેખાવકાર ઓફિસર્સનું શૂટિંગ કરતો હતો અને 'ફ્રીડમ' અને 'ટેક યોર કન્ટ્રી બેક'ની બૂમો મારતો હતો.
મેટ્રોપોલિટન પોલીસે ગ્રૂપના આ પગલાંને ટ્વિટમાં વખોડી કાઢતાં જણાવ્યું હતું.' આજે રાત્રે એક નાનું ટોળું દેખાવો કરવા માટે #TrafalgarSquare ભેગું થયું છે. ઓફિસર્સ તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમને ઘરે જવા સૂચના આપી રહ્યા છે. તેઓ નહીં જાય તો ઓફિસરો પગલાં લેશે'.
પોલીસે પાછળથી જણાવ્યું કે ઓક્સફર્ડ સ્ટ્રીટ ખાતે દેખાવકારોનું મોટું ટોળું એકઠું થયું છે. લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.