લંડનઃ અપક્ષ ક્રોસબેન્ચ ઉમરાવ તરીકે નિયુક્ત કરાયાના ૧૦ વર્ષના ગાળામાં લોર્ડ કરન બિલિમોરિયા એન્ટ્રેપ્રીન્યોરશિપ, ઉચ્ચ શિક્ષણ અને હાલ બ્રેક્ઝિટ સહિત વિવિધ વિશયો પર હાઉસ ઓફ લોર્ડ્ઝમાં પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. હાઉસમાં તેમના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે લોર્ડ બિલિમોરિયાએ પરોપકારના પ્રિય મુદ્દાને આગળ ધર્યો હતો. તેમણે પાંચમી ડિસેમ્બરે પોતાનું સમર્થન ધરાવતી ત્રણ ચેરિટીઓ ગુરખા વેલ્ફેર ટ્રસ્ટ, સલામ બાલક ટ્રસ્ટ અને કોબ્રા ફાઉન્ડેશનના કાર્યો વિશે જાગૃતિ ઉભી કરવા લોર્ડ સ્પીકર્સ રિવર રૂમમાં રીસેપ્શનનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ભારતના કાયદો અને ન્યાય પ્રધાન ડો. અશ્વનિકુમાર, બ્રિટિશ આર્મીના વડા જનરલ સર નિક કાર્ટર અને પૂર્વ વડા ફિલ્ડ માર્શલ સર જ્હોન ચેપલ, અનેક સાંસદો અને લોર્ડ્ઝ ઉપસ્થિત હતા. વક્તાઓએ આ ત્રણ ચેરિટીઝની કામગીરી વિશે વિગતવાર જણાવ્યું હતું. પિઅર્સ લોસને ગુરખા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ગુરખા પેન્શનરોની વૃદ્ધાવસ્થામાં લેવાતી પેન્શન, આરોગ્ય અને હાઉસિંગ સહિત સારસંભાળ તેમજ નેપાળમાં ૨૦૧૫ના ધરતીકંપ દરમિયાન તબીબી, આશ્રય અને પુરવઠા સહિતની સહાય વિશે જણાવ્યું હતું. નિક થોમ્પસને સલામ બાલક ટ્રસ્ટના કાર્યો વિશે જણાવ્યું હતું. પેટ્રિક શેર્વિંગ્ટને કોબ્રા ફાઉન્ડેશન દ્વારા પાર્ટનર્સ સાથે મળી સાઉથ એશિયામાં આરોગ્ય, શિક્ષણ અને કોમ્યુનિટી સપોર્ટ માટે ૯૨ ચેરિટીઝને અપાયેલી સહાયની માહિતી આપી હતી. ફાઉન્ડેશને બેલુ વોટર સાથે મળીને જળસહાય માટે ભંડોળ એકત્ર કર્યાની વાત પણ તેમણે કરી હતી. લોર્ડ બિલિમોરિયાએ કાર્યક્રમનું સમાપન કરતા જણાવ્યું હતું કે પાર્લામેન્ટમાં એક દાયકો પૂર્ણ થયાના પ્રતીકરુપે આ ત્રણ ચેરિટીના કાર્યોને પ્રકાશમાં લાવવા જેવું બીજું મોટુ કાર્ય કોઈ ન હોઈ શકે તેમ મને લાગ્યું છે.