લંડનઃ લેબર પાર્ટીના રોશડેલના સાંસદ સિમોન ડાન્ઝૂકે લેબર ઉમરાવ લોર્ડ ગ્રેવિલ જેનરને ‘સીરિયલ ચાઈલ્ડ એબ્યુઝર’ ગણાવવા સાથે તેમની સામેના આક્ષેપોને કોર્ટમાં વાચા આપવા ન દેવા બદલ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે લોર્ડ જેનરે પાર્લામેન્ટના ગૃહોમાં જ અનેક બાળકો પર અત્યાચાર અને બળાત્કાર કર્યા હતા. ડાન્ઝૂકે ઉમરાવ સામે કેસ ચલાવવો જોઈએ તેમ કહ્યું હતું. લોર્ડ જેનર સામે કાનૂની કાર્યવાહી ન કરવાથી ન્યાયના તમામ સિદ્ધાંતોનો ભંગ થાય છે. ઉલ્લેખનીય છે કે ૮૬ વર્ષના લોર્ડ જેનર ટ્રાયલનો સામનો કરવા જેટલા માનસિક સ્વસ્થ ન હોવાના દાવા સાથે સીપીએસ દ્વારા કોર્ટમાં કેસ કરાયો નથી. જોકે, લોર્ડ જેનરે તેમણે કશું ખોટું કર્યાનો અગાઉ ઈનકાર કરેલો છે.
હાઉસ ઓફ કોમન્સમાં બોલતા ડાન્ઝૂકે કહ્યું હતું કે સાક્ષીઓ અવિશ્વસનીય નથી તેમજ લોર્ડ જેનરે પ્રોસિક્યુશનનો સામનો કરવો જોઈએ તેમ સ્વીકારવા છતાં CPS કેસ દાખલ કરવા ઈનકાર કરે છે તે આઘાતજનક છે. પોલીસને પણ આ મુદ્દે રોષ છે અને આરોપ સાંભળીને કોઈ પણ રોષ અનુભવી શકે છે. પાર્લામેન્ટ ગૃહોમાં વેસ્ટમિન્સ્ટર હોલ ચર્ચામાં બોલતા હોવાથી ડાન્ઝૂકને બદનક્ષીની કાર્યવાહી સામે કાનૂની રક્ષણ પ્રાપ્ત થાય છે.
તેમણે કહ્યું હતું કે,‘હું લેસ્ટરશાયર પોલીસને મળ્યો છું અને વિસ્તારથી આક્ષેપોની ચર્ચા કરી છે. આપણે અત્યારે બેઠા છીએ તે જ ઈમારતમાં બાળકો પર બળાત્કાર અને અત્યાચારો થયા છે. સત્તાવાર આરોપો મુજબ ૧૯૬૯-૧૯૮૮ વચ્ચે ૧૬ વર્ષથી નીચેના બાળકો સાથે ૧૪ અશ્લીલ હુમલા, ૧૯૮૪-૧૯૮૮ વચ્ચે બે અશ્લીલ હુમલા, ૧૯૭૨-૧૯૮૭ અને ૧૯૭૭-૧૯૮૮ વચ્ચે ૧૬ વર્ષથી નીચેના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના અનુક્રમે ચાર અને બે આરોપ છે.’