લંડનઃ બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ ઋગ્વેદના પ્રાચીન પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના સોગંદ લેવા સાથે નવો ઈતિહાસ રચાયો હતો. ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ગણાય છે, જે ઈસુ પહેલાના ૧૫૦૦ વર્ષથી ઉપયોગમાં લેવાય છે.
પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને ગયા મહિને જાણીતા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, યુકે-ઈન્ડિયા સીઈઓ કાઉન્સિલના સભ્ય અને ગુજરાતી મૂળના બિઝનેસમેન લોર્ડ ગઢિયાને બ્રિટિશ પાર્લામેન્ટના ઉપલા ગૃહમાં જોડાવા નોમિનેટ કર્યા હતા. કિંગ જેમ્સ પ્રથમના શાસનમાં ૧૬૨૧થી ચાલતી પરંપરા અનુસારના સમારંભમાં તેમણે સત્તાવાર સોગંદ લીધા હતા. સોગંદવિધિ અને તે પછીના ભોજન સમારંભમાં તેમના ૯૦ વર્ષીય દાદી ગુલાબબહેન ગઢિયા, માતા હંસાબહેન અને પત્ની અંજલિબહેન સહિત પરિવાર અને મિત્રો ઉપસ્થિત હતા. હાઉસ ઓફ લોર્ડ્સ ટેરેસમાં આયોજિત સંપૂર્ણ શાકાહારી ભોજનનો આસ્વાદ લોર્ડ ડોલર પોપટ, લોર્ડ સ્ટેનલી ફિન્ક, બેરોનેસ ઉષા પરાશર, લોર્ડ મેઘનાદ દેસાઈ, લોર્ડ રાજ લૂમ્બા, લોર્ડ રુમી વેરજી, લોર્ડ રણબીર સૂરી તેમજ સાંસદો શૈલેષ વારા અને રિશિ સુણાક સહિત લોર્ડ્સ, સાંસદો અને નેતાઓ ઉપસ્થિત હતા.
નવનિયુક્ત સભ્યોને કેટલાક વર્ષોથી ક્રિશ્ચિયન બાઈબલના સ્થાને અન્ય ધાર્મિક પાઠ પસંદ કરવાની પરવાનગી અપાય છે. જોકે, અત્યાર સુધી કોઈ બ્રિટિશ ભારતીય ઉમરાવે ઋગ્વેદનો ઉપયોગ કર્યો નથી. લોર્ડ જિતેશ ગઢિયા દ્વારા ઉપયોગમાં લેવાયેલો ઋગ્વેદનો ગ્રંથ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. પ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. મેક્સમૂલર દ્વારા તેનું ૧૮૪૯માં સંપાદન અને પ્રકાશન કરાયું હતું. લોર્ડ ગઢિયાએ ૧૬૭ વર્ષ જૂનો ગ્રંથ ખરીદી બ્રિટિશ પાર્લામેન્ટને ભેટ આપ્યો છે.
લોર્ડ ગઢિયાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘આ સમારંભમાં મારા પરિવારની અનેક પેઢીની મારી સાથે ઉપસ્થિતિ અતિ મહત્ત્વની છે. આખરે તો આ મુસાફરી નોંધપાત્ર છે, જેમાં નિકટતમ અને સ્નેહીજનોને સહભાગી બનાવવાનો આનંદ છે.’