લંડનઃ લોર્ડ ધોળકિયા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના થિન્ક! ડ્રિન્ક ડ્રાઈવ અભિયાનમાં જોડાયા છે. આ અભિયાનનો હેતુ ડ્રાઈવિંગ કરતા પહેલા થોડું પણ શરાબસેવન કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે તે બાબતનો જેમને ખ્યાલ નથી તેવા લોકોને માહિતગાર કરવાનો છે. આ અભિયાન દ્વારા દરેકને ડ્રાઈવિંગ કરતા પહેલા વિચારવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
હાઉસ ઓફ કોમન્સમાં ગત સપ્તાહે ભોજનના પુનઃ વિતરણ દ્વારા ફૂડ વેસ્ટ અને ભૂખમરાની સમસ્યાના ઉકેલમાં કાર્યરત યુકેની ચેરિટી ફેરશેર-FareShare ના સહયોગથી યોજાયેલા કોકા-કોલા ક્રિસમસ રિસેપ્શન દરમિયાન આ અભિયાનના મહત્ત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
સાંસદ અને રોડ સેફ્ટી મિનિસ્ટર એન્ડ્રયૂ જોન્સે જણાવ્યું હતું,‘ વાહનચાલકો જાણે છે કે શરાબ પીને ડ્રાઈવિંગ કરવું ખોટું છે. તેને લીધે પરિવારો વેરવિખેર થઈ શકે અને ઘણી જિંદગીઓ રોળાઈ જાય છે.’
કોકાકોલા યુરોપિયન પાર્ટનર્સના પબ્લિક અફેર્સના વાઈસ પ્રેસિડેન્ટ જુલિયન હન્ટ અને ફેરશેરના સીઈઓ લિન્ડસે બોસવેલ સહિત અન્ય વક્તાઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા.