લંડનઃ આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લોર્ડ નરેન્દ્ર પટેલને મેડિકલ પ્રોફેશનમાં તેમની સેવાઓ બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો તે મારા માટે ઘણી મહત્ત્વની પળ હતી.
હાઉસ ઓફ લોર્ડ્સમાં ૧૯૯૯થી ક્રોસ બેન્ચ મેમ્બર રહેલા લોર્ડ પટેલનો ઉલ્લેખ સામાન્યપણે ‘Unsung Hero’ એટલે કે ‘અપ્રસિદ્ધ નાયક’ તરીકે કરવામાં આવે છે. તેઓ એક એવા લોર્ડ છે, જેમણે પ્રમાણમાં સામાન્ય હોવાની છાપ જાળવી રાખી છે અને મેડિકલ ક્ષેત્રમાં નોંધપાત્ર અને મહત્ત્વપૂર્ણ પ્રદાન બાબતે તેઓ વિનમ્રતા દાખવવા બદલ પણ જાણીતા છે. લાંબા સમયથી આ એવોર્ડ તેમના માટે જ હતો કારણકે લોર્ડ પટેલ તેમની તીવ્ર પ્રતિભા એશિયન કોમ્યુનિટીથી લાંબો સમય છુપાવી શક્યા નહિ.
મૂળ ચરોતરના સોજિત્રાના વતની લોર્ડ પટેલનો જન્મ હિન્દ મહાસાગરથી દૂર ટાન્ઝાનિયાના નાના બંદર લિન્ડીમાં થયો હતો, જ્યાં મારા પિતા પણ જન્મ્યા હતા. લોર્ડ પટેલ ૧૯૫૦ના દાયકાના ઉત્તરાર્ધમાં યુકે આવ્યા પછી યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રયુઝની ક્વીન્સ કોલેજમાં મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. તેઓ ૧૯૬૪માં સ્નાતક થયા પછી ૧૦ વર્ષે કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશિયન બન્યા હતા. લોર્ડ પટેલે ડન્ડીની નાઈનવેલ્સ હોસ્પિટલમાં ૩૦થી વધુ વર્ષ સેવા આપી હતી.
લોર્ડ પટેલની સિદ્ધિઓ આટલી વિશિષ્ટ એટલા માટે છે કે તેઓ પોતાના સમયથી ઘણા આગળ રહ્યા અને ઉત્તરોત્તર મહત્ત્વના હોદ્દાઓ પણ સંભાળ્યા હતા. લોર્ડ પટેલને ૧૯૯૫માં રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સના પ્રમુખ બનાવાયા તે કદાચ તેમની કારકિર્દીનું સૌથી મહાન સન્માન હતું.
પાર્લામેન્ટમાં પણ લોર્ડ પટેલ ગાયનેકોલોજી વિષય પ્રત્યે પોતાનો જુસ્સો દર્શાવતા રહે છે અને ૨૦૦૨થી ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન મેટરનિટી સર્વિસીસના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપવા ઉપરાંત, ૨૦૦૩થી સ્ટેમ સેલ સ્ટીઅરિંગ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી કમિટીના સભ્ય પણ છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૨૦૧૦માં લોર્ડ પટેલને Order of the Thistleથી સન્માનિત કર્યા હતા. સ્કોટલેન્ડમાં આ સર્વોચ્ચ સામંતશાહી સન્માનના ૩૦૦ વર્ષના ઈતિહાસમાં આ સન્માન મેળવનાર લોર્ડ પટેલ પ્રથમ એશિયન બન્યા છે.
આજે, લોર્ડ પટેલ આપણા સૌથી સન્માનિત બ્રિટિશ ભારતીય પાર્લામેન્ટરિયન્સમાં સ્થાન ધરાવે છે. લોર્ડ પટેલ આપણા સમુદાયમાં અત્યાર સુધી ‘અપ્રસિદ્ધ નાયક’ રહ્યા છે અને મેડિકલ સેવાના ક્ષેત્રમાં તેમના પ્રદાનની કદર થવાથી મને ઘણો જ આનંદ થયો છે.
લોર્ડ પોપટ અને શ્રી જી.પી. હિન્દુજાના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરનારા લોર્ડ પટેલની સિદ્ધિઓ બ્રિટિશ ભારતીયોને આગળ વધવામાં તેમજ લાઈફ સાયન્સીસ અને વ્યાપકપણે સમાજને પ્રદાન આપવાની પ્રેરણા મેળવવામાં મદદરુપ બનશે તેમાં જરા પણ શંકા નથી.
AAA (એશિયન એચિવર્સ એવોર્ડ્સ) આપણી કોમ્યુનિટીના સભ્યોને શ્રેષ્ઠતામાં પણ અગ્ર બનવાની શક્તિ પૂરી પાડવામાં પાયારુપ ભૂમિકા ભજવી રહ્યા છે. વધુ એક સફળ સાંજના આયોજન તેમજ બ્રિટિશ એશિયન કોમ્યુનિટીમાં પ્રતિભાની વાસ્તવિક કદર કરવાના માપદંડ વધુ ઊંચાઈએ લઈ જવા માટે સી.બી. પટેલ અને તેમની અદ્ભૂત ટીમ સાચે જ યશની અધિકારી છે.