લંડનઃ હલ સિટી કાઉન્સિલે ૨૧ જુલાઈના ભવ્ય કાર્યક્રમમાં લોર્ડ ભીખુ પારેખને વિશિષ્ટ ‘ઓનર ઓફ ફ્રીડમ ઓફ ધ સિટી’થી સન્માનિત કર્યા હતા. હલ સિટી કાઉન્સિલે આશરે ૧૦૦ વર્ષના સમયગાળામાં નેલ્સન મન્ડેલા, બિશપ ટુટુ અને લોર્ડ પ્રેસ્કોટ સહિત ૨૦ વિશિષ્ટ મહાનુભાવોને આવું સન્માન પ્રદાન કર્યું છે.
લોર્ડ ભીખુ પારેખને સિલ્વર કાસ્કેટમાં અર્પણ કરાયેલા આ સન્માનના પ્રશસ્તિપત્રમાં સિટીને પ્રોફેસર પારેખની અમૂલ્ય સેવાઓ, યુકે અને ભારતમાં તેમની ઉચ્ચ પ્રતિષ્ઠા તેમજ તેમણે જે રીતે સમગ્ર વિશ્વમાં યુનિવર્સિટી ઓફ હલનું સન્માન વધાર્યું છે અને ભારતીય કોમ્યુનિટીની પ્રતિષ્ઠા વધારી છે તેનો સાદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લોર્ડ ભીખુ પારેખે આ સન્માનના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેઓ પ્રથમ વખત હલમાં આવ્યા ત્યારે તેમને કલ્પના પણ ન હતી કે તેઓ એક દિવસ તેના ‘ઓનરરી ફ્રીમેન’ બનશે. તેમણે આ મહાન સ્વાતંત્ર્ય અને પોતાના એકેડેમિક કાર્યો માટે તક આપવા બદલ યુનિવર્સિટીનો આભાર માન્યો હતો. લોર્ડ પારેખે સિટી ઓફ હલના બિનસંઘર્ષવાદી ઈતિહાસ, તેની ઉષ્મા તેમજ વિલિયમ વિલ્બરફોર્સ અને ફિલિપ લારકીન જેવા મહાન વ્યક્તિત્વોની પ્રતિભાથી વધુપડતા અંજાયા વિના ફગાવી દેવાની ક્ષમતા તેમજ શાંત અને જરા પણ આડંબર વિના ઉત્કૃષ્ટતાની અપાર સંપત્તિ ધરાવવાની રસમ બદલ આદરાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ હંમેશાંથી હલના નિવાસી હોવા માટે ગૌરવ અનુભવે છે અને તેમના નવા દરજ્જાએ આ લાગણીને વધુ બળવત્તર બનાવી છે.
આ સન્માન સમારંભમાં કાઉન્સિલર્સ, હલના પ્રતિષ્ઠિત નાગરિકો તથા લોર્ડ પારેખના પરિવારજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જે નગરમાં નિવાસ કરતા હોય તેની પાસેથી ‘ફ્રીડમ ઓફ ધ સિટી’ સન્માન મેળવનારા જૂજ ભારતીયોમાં લોર્ડ પારેખનો પણ સમાવેશ થયો છે.