લંડનઃ બ્રિટનના અતિ સફળ ઉદ્યોગસાહસિક, પ્રોપ્રાયટર અને થોમસ ગુડ એન્ડ કંપનીના ચેરમેન લોર્ડ રુમી વેરજી તેમની મેફેરસ્થિત ઐતિહાસિક વિક્ટોરિયન ઈમારત £૮૦ મિલિયનમાં વેચી રહ્યા છે. લોર્ડ વેરજી ૧૯૮૦ના દાયકામાં યુકેમાં વિશ્વપ્રસિદ્ધ ડોમિનો’ઝ પિઝા બ્રાન્ડ લાવવા માટે પણ જાણીતા છે. લોર્ડ વેરજી સેન્ટ્રલ લંડનમાં સાઉથ ઓડલી સ્ટ્રીટમાં આવેલી ઈમારતનું વેચાણ પ્રોપર્ટી ઈન્વેસ્ટર જ્હોની સેમ્ડલસનને કરશે.
ટેબલવેર, ચાઈના, સિલ્વરવેર અને ગ્લાસ એમ્પોરિયમ થોમસ ગુડ હાલમાં મેફેર બિલ્ડિંગમાં આવેલું છે. ૧૯૯૫થી લોર્ડ વેરજીની માલિકીનું એમ્પોરિયમ શાહી પરિવારને માલસામાન પૂરો પાડે છે. એમ્પોરિયમ આ જ બિલ્ડિંગમાં ટેનાન્ટ તરીકે ચાલુ રહેશે. લોર્ડ વેરજી વર્લ્ડ પ્રેસિડેન્ટ્સ એસોસિયેશન, એડવાઈઝરી બોર્ડ ઓફ બ્રિટિશ ઓલિમ્પિક એસોસિયેશન અને ગ્લોબલ લીડરશિપ ફાઉન્ડેશનના પણ સભ્ય છે. તેઓ અગાઉ સર એલ્ટન જ્હોન સાથે વોટફોર્ડ એફસીના સહમાલિક પણ હતા.