વંશીય લઘુમતી લોકો ઉચ્ચ પ્રોફેશનલ નોકરીમાં વધુ પ્રમાણ ધરાવે તેવી શક્યતા

Tuesday 19th May 2015 06:21 EDT
 
 

લંડનઃ વંશીય લઘુમતીઓ ડોક્ટર્સ, વકીલ અને સિવિલ સર્વન્ટ્સ જેવી ઉચ્ચ પ્રોફેશનલ નોકરીઓમાં પ્રભુત્વ ધરાવે તેવી શક્યતા છે. ૨૦૧૧ના સેન્સસ ડેટા અનુસાર ઉચ્ચ પ્રોફેશનલ અને મેનેજમેન્ટ નોકરીઓમાં લઘુમતી વર્ગનો હિસ્સો ૧૦.૩ ટકા છે, જ્યારે વ્હાઈટ બ્રિટિશ વર્ગનો હિસ્સો ૯.૮ ટકા છે. સફળતાની સીડી પર ભારતીય મૂળના લોકો સૌથી મોખરે અને ચાઈનીઝ બીજા ક્રમે છે. જોકે, પોલીસ, કાયદા અને સિવિલ સેવાઓમાં સિનીયર ભૂમિકાઓમાં લઘુમતી વર્ગના સભ્યોની સંખ્યા ઘણી ઓછી છે.

પૂર્વ ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સના ચેરમેન ટ્રેવર ફિલિપ્સે જણાવ્યું છે કે, ‘આંકડાઓ આધુનિક બ્રિટન વિશે સારી વાત કરે છે અને ડાઈવર્સિટી ખરેખર બ્રિટનની પ્રતિભાના જથ્થામાં વધારો કર્યો હોવાનું દર્શાવે છે.’ સત્તાવાર આંકડા અનુસાર વ્હાઈટ બ્રિટિશ લોકોની સરખામણીએ વંશીય લઘુમતી વર્ગના લોકો ડોક્ટર્સ, વકીલ અને સિવિલ સર્વન્ટ્સ સહિતની ઉચ્ચ પ્રોફેશનલ નોકરીમાં સ્થાન મેળવવાની શક્યતા વધુ રહે છે. જોકે, તેમણે વિવિધ લઘુમતીઓના પરફોર્મન્સમાં વિશાળ તફાવત હોવાની પણ ચેતવણી આપતા કહ્યું છે કે, ‘કેટલાંક જૂથો અન્ય લોકોનાં વલણો અથવા તેમની પોતાની જ નિષ્ફળતાના કારણે પેઢીઓ પછી પણ આગળ વધતા જણાતાં નથી.’

વિશ્લેષણમાં સૌથી સફળ ગણાયેલાં ભારતીય જૂથમાં ૧૫.૪ ટકા સભ્યો ઉચ્ચ મેનેજરિયલ, વહિવટી અને પ્રોફેશનલ ભૂમિકાઓના ઓક્યુપેશનલ જૂથોમાં નોકરીઓ ધરાવે છે. ચાઈનીઝ મૂળના લોકો ૧૨.૮ ટકા સાથે બીજા ક્રમે છે. ઉચ્ચ મેનેજરિયલ નોકરીઓમાં વ્હાઈટ બ્રિટિશ વર્ગની સરખામણીએ ભારતીય અને ચાઈનીઝ પશ્ચાદભૂના પુરુષોનું પ્રમાણ લગભગ બમણું રહેવાની શક્યતા વિશ્લેષણ દર્શાવે છે. બીજી તરફ, ક્લાસ વન બ્રેકેટ સ્કેલના અન્ય છેડે પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ અનુક્રમે માત્ર ૬.૬ ટકા અને ૪.૨ ટકાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. બ્લેક આફ્રિકન્સ અને બ્લેક કેરેબિયન્સનું પ્રતિનિધિત્વ અનુક્રમે ૭.૫ ટકા અને ૬.૨ ટકાનું છે. હેલ્થકેર ક્ષેત્રમાં કુલ ડોક્ટર્સની ૪૧ ટકા સંખ્યા વંશીય લઘુમતી વર્ગની છે અને ભારતીય અથવા અન્ય વ્હાઈટ તરીકે વર્ગીકૃત લોકો સંખ્યાની દૃષ્ટિએ મોખરે છે.

સિટીમાં કામ કરતા લોકોમાં ત્રીજો હિસ્સો વંશીય લઘુમતી વર્ગના લોકોનો છે. જોકે, નોન-વ્હાઈટ્સની માલિકીની FTSE 100 કંપનીઓમાં ટોચની ૨૦ નોકરીઓમાં તેમનું પ્રમાણ માત્ર ૬.૪ ટકા છે. સિવિલ સર્વિસ સેક્ટરમાં આવી જ પેટર્ન છે, જ્યાં ૯.૬ ટકા વંશીય લઘુમતી વર્ગ નોકરી કરે છે, પરંતુ માત્ર પાંચ ટકા સિનિયર પોઝિશન્સમાં છે.

સોલિસિટર્સમાં ૨૦ ટકાથી વધુ હિસ્સો નોન-વ્હાઈટનો છે. જોકે, બેરિસ્ટર્સના માત્ર ૧૦.૯ ટકા અને QCમાં માત્ર ૫.૩ ટકા લઘુમતી વર્ગના છે. શાળાઓમાં હેડટીચર્સમાં આ વર્ગોનું પ્રમાણ ૬.૬ ટકા છે. લશ્કરી દળોમાં ૨.૪ ટકા ઓફિસર્સ સાથે વંશીય લઘુમતી વર્ગનું પ્રમાણ ૭.૧ ટકા છે, જ્યારે પોલીસમાં માત્ર ૩.૩ ટકા ચીફ ઈન્સ્પેક્ટર અથવા તેથી ઉચ્ચ હોદ્દા ધરાવે છે. અડધોઅડધ બાંગ્લાદેશીઓ રેસ્ટોરાંમાં કામ કરે છે, જ્યારે પાકિસ્તાની મૂળના ૨૫ ટકા પુરુષો ટેક્સી ડ્રાઈવર છે.

અભ્યાસમાં યુકેમાં વંશીય લઘુમતી વર્ગોના રહેઠાણના સ્થળોનું પૃથક્કરણ કરાયું છે. વંશીય વસ્તી તેમના સમુદાયો હોય તેવા સ્થળોએ ખસવાનું વધુ પસંદ કરે છે. આવા સ્થળોમાં ઓલ્ધામ, વેસ્ટ યોર્કશાયરમાં બ્રેડફર્ડ અને લેન્કેશાયરમાં બ્લેકબર્નમાં તેમની વસ્તી વિશેષ છે, જ્યારે કેમ્બ્રિજ અને વેસ્ટ સસેક્સના અડૂરમાં તેમનું પ્રમાણ સૌથી ઓછું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter