વડા પ્રધાન થેરેસા મેએ ૧૦- ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી ઉજવી

- રુપાંજના દત્તા Wednesday 26th October 2016 07:05 EDT
 
 

લંડનઃ બ્રિટનના નવા વડા પ્રધાન થેરેસા મેએ સોમવાર ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ બ્રિટનની ભારતીય કોમ્યુનિટી માટે રિસેપ્શનનું આયોજન કરીને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળીની જીવંત ઉજવણીની પરંપરા જાળવી રાખી છે. આ ઉજવણીમાં સાંસદો ઉમરાવો તેમજ બિઝનેસ અને કોમ્યુનિટીના પ્રતિનિધિઓની હાજરી સાથે નં. ૧૦ દિવાળીની ભાવના સાથે મહેંકી ઊઠ્યું હતું. વડા પ્રધાન મેએ હિન્દુ, શીખ અને જૈન સમુદાયના ૧૫૦થી વધુ ચાવીરૂપ વ્યક્તિઓનું સ્વાગત કર્યું હતું.

રિસેપ્શનખંડ તરફ દોરી જતી નીસરણીઓને નારંગી અને પીળા રંગના મેરીગોલ્ડની હારમાળાથી સુંદર સજાવાયું હતું તેમજ મીણબત્તીના પ્રકાશથી હારમાળા ઝગમગી ઊઠી હતી. મુખ્ય ખંડમાં BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા વિશાળ અન્નકૂટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. BAPS સ્વામીનારાયણ મંદિરના રીમા પટેલ દ્વારા દિવાળી વિશે પરીચય સાથે સાંજનો આરંભ થયો હતો. તેમણે વડા પ્રધાનના ગળામાં હાર તેમજ તેમના કાંડે નાડાછડી બાંધવા માટે રેના અમીન અને હેનલ પટેલને આમંત્રિત કર્યા હતા.

પરંપરાગત દીપપ્રાગટ્ય સમયે વડા પ્રધાન મેની સાથે ભારતના કાર્યકારી હાઈકમિશનર દિનેશ પટનાયક અને નિસ્ડન ટેમ્પલના ટ્રસ્ટી જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીમતી મેની સાથે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રિતી પટેલ, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર લોકલ ગર્વમેન્ટ ઓફ કોમ્યુનિટીઝ સાજિદ જાવેદ, સાસંદ શૈલેશ વારા, લોર્ડ ગઢિયા અને ફોરેન ઓફિસ મિનિસ્ટર આલોક શર્મા પણ હાજર હતા.

હરે કૃષ્ણ ટેમ્પલના શ્રૃતિધર્મદાસે સંબોધનમાં જણાવ્યું હતું કે દિવાળીના આ પર્વે તેઓ તમામ લોકો ત્રણ બાબતો - આપવું, માફ કરવું અને આભારી થવું પર ધ્યાન કેન્દ્રિત કરે તેમ ઇચ્છશે. માત્ર આપણી કોમ્યુનિટીમાં નહીં પરંતુ બ્રિટનમાં પણ વડા પ્રધાનના શબ્દોમાં હું એમ કહેવા માગીશ કે, ‘નંબર ૧૦ ખાતે દિવાળીની ઊજવણી ન્યાયી બ્રિટનનું પ્રતિક છે.’ તેમણે સંસ્કૃત શ્લોકોના ઉચ્ચાર સાથે વકતવ્ય સમાપ્ત કર્યું હતું.

વડા પ્રધાન મેએ તેમના આગામી ભારત પ્રવાસના સંદર્ભે દિવાળીના મહત્ત્વ, તેની વ્યાપકતા, બ્રિટિશ સમાજના તમામ ક્ષેત્રોમાં ભારતીય ડાયસ્પોરાની તથા અન્ય મૂલ્યો તેમજ ભારત બ્રિટીશ સંબંધોનું મહત્ત્વ જણાવ્યું હતું. સૌપ્રથમ વખત ભારતીય ડાયાસ્પોરાના વિશેષ સંબોધન કરતાં થેરેસા મેએ જણાવ્યું હતું કે, ‘આભાર અને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં તમારું સ્વાગત છે. વર્ષના આ વિશેષ સમયે તમારી સૌની હાજરી મહત્ત્વની છે અને વડાપ્રધાન તરીકે પ્રથમ દિવાળી રિસેપ્શનનું યજમાન બનવું મારાં માટે ગૌરવપ્રદ છે. તેમણે કહ્યું હતું કે મારાં માટે આ તહેવારની એક સૌથી નોંધપાત્ર બાબત તેની વ્યાપકતા અને તેના શુભસંદેશની સાર્વત્રિક અપીલ છે. ભારતને નિહાળો - ૧ બિલિયનથી વધુ લોકોની વસતી વિવિધ સેંકડો ભાષાઓ બોલાય છે અને વિવિધ ધર્મોનું પાલન થાય છે તે પ્રકાશના ઉત્સવથી જોડાયેલું છે.’

‘બાકીના વિશ્વના તરફ પણ નજર કરો તો સિંગાપોરથી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયાથી નેપાળ રંગીન ઊજવણીઓ થઈ રહી છે અને બ્રિટનમાં જુઓ તો અત્યારે લોકો લેસ્ટરના ગોલ્ડન માઈલમાં ભેટ ખરીદી રહ્યાં છે, બર્મિંગહામના સોહો રોડ પર પેંડા બની રહ્યાં છે. તેમજ વેમ્બલીના ઇંલિંગ રોડ લાઈટો ઝગમગી રહી છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં આ પાંચ પવિત્ર દિવસો વિશેષ મહત્ત્વ ધરાવે છે.’ દિવાળીના મહત્ત્વ અને સંદેશા વિશે બોલતાં તેમણે ઉમેર્યું હતું કે, ‘આપણે જ્યારે દિવાળીના સાચા અર્થને સમજીએ તો તેની પ્રસ્તુતતા ભારત, ભારતીય ડાયસ્પોરા તેમજ આ ઉત્સવને ઊજવતા હિંદુઓ, જૈનો, શીખો અને બૌદ્ધોથી પણ આગળ જાય છે. તેનો સંદેશ કોઈપણ પશ્ચાદભુ કે કોઈ પણ ધર્મ હોય તેવી દરેક વ્યક્તિને લાગુ પડે છે. મારે કહેવું છે કે ભગવાન રામ અયોધ્યા પરત થયા તે અંગે મહાકાવ્યના તમામ ૨૪૦૦૦ શ્લોક મેં વાંચ્યા નથી. પરંતુ વર્ષો દરમિયાન મારાં મતવિસ્તારમાં મેં ઘણાં દિવાળી સેલિબ્રેશનમાં હાજરી આપી છે. તેનાથી હું આ વાર્તા જાણું છું. બાળકોએ આ વાર્તામાં અભિનય આપ્યો હોવાનું પણ મેં જોયું છે.’

બ્રિટિશ સમાજમાં ડાયસ્પોરાના પ્રદાન અને પોતાની ભૂમિકા સંદર્ભે દિવાળીના સંદેશા વિશે તેમણે જણાવ્યું હતું કે, ‘સારા વર્તન, ધર્મ, યોગ્ય માર્ગ લેવો તેમજ આસુરી તત્ત્વ પર દૈવી તત્ત્વના વિજયના મૂલ્યો તેમજ આશા, આશાવાદ અને ક્ષમાના મૂલ્યો આ બધુ નૂતન હિંદુ વર્ષના આરંભના પ્રતિક છે. આ દિવસે લોકો નવા વસ્ત્રો પહેરે છે અને આગામી વર્ષ માટે પ્રાર્થના કરે છે. આપણે વિશ્વમાં બ્રિટન માટે નવી, સકારાત્મક અને મહત્ત્વાકાંક્ષી ભૂમિકા ઘડી રહ્યાં છીએ ત્યારે આપણને આ મૂલ્યોની વધુ જરૂર હોવાનું મને લાગે છે. મારી સરકારનું મિશન - ન્યાયપૂર્ણ બ્રિટન- દરેક માટે રાષ્ટ્રના નિર્માણનું છે જે તમે ગમે તે હો તેને ધ્યાનમાં રાખ્યા વિના તમારાં સ્વપ્નો હાંસલ કરી શકો.’

તેમણે કહ્યું હતું કે, ‘દોઢ મિલિયન લોકોથી બનેલાં બ્રિટિશ ભારતીય સમુદાયોની સિદ્ધિઓ દર્શાવે છે કે જ્યારે પ્રતિભા કાર્યરત બને છે અને તમામ પશ્ચાદ્ભુના લોકો પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરી શકે ત્યારે કોઈપણ રાષ્ટ્ર શું હાંસલ કરી શકે છે. આ જ મહત્ત્વનું છે. આપણી રાજકીય સિસ્ટમ વધુ પ્રતિનિધિયુક્ત અને વધુ અસરકારક બની છે અને કેબિનેટમાં પ્રિતી પટેલ, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં આલોક શર્મા, કોમન્સમાં શૈલેશ વારા અને રિશી સુનાક જેવા સાંસદો તેમજ હાઉસ ઓફ લોર્ડ્સમાં જિતેશ ગઢિયા, ડોલર પોપટ, સંદિપ વર્મા અને રણબીર સુરી જેવા ઉમરાવો હોવાનું મને ગૌરવ છે.’

તેમણે ઉમેર્યું હતું કે, ‘જ્યારે પ્રતિભા અપાર હોય ત્યારે આપણી એજ્યુકેશન સિસ્ટમ વધુ પસંદગી અને તક ઓફર કરે છે. અવંતિ ટ્રસ્ટ જેવી હિંદુ સ્કૂલ્સ મહાન કાર્યો કરી રહી છે અને આપણે ફેઈથ સ્કૂલ્સને શા માટે સપોર્ટ કરવો જોઈએ તેનું મહત્ત્વ સમજાવે છે. ટેકનોલોજી, ફિલ્મ અને મને વધુ ગમે છે તે ફેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં એન્ટ્રેપ્રિન્યોર્સને આકર્ષકતા ઊભરતા ઉદ્યોગો સાથે આપણું અર્થતંત્ર વધુ સફળ અને ગતિશીલ બની રહ્યું છે. તમામ પશ્ચાદ્ભુ સાથેના લોકો આપણી શાળાઓ, હોસ્પિટલો, પોલીસ અને આર્મ્ડ ફોર્સિસને શ્રેષ્ઠ બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી રહ્યાં છે તેનાથી આપણો સમાજ મજબૂત બને છે.’

પોતાની આગામી ભારત મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે, ‘આજે આપણે અહીં એકત્ર થયાં છીએ, બ્રિટિશ ભારતીયોની તેમ જ આપણી ઘણી વિવિધ કોમ્યુનિટીઓની સિદ્ધિઓની ઊજવણી કરી રહ્યાં છે ત્યારે આપણે સૌએ યાદ રાખવું જોઈશે કે લોકો પોતાની ક્ષમતાનો ઉપયોગ ન કરી શકે તેવાં અવરોધો દૂર કરવા મહત્ત્વનું છે. આપણા દેશ માટે દિવાળીનો અર્થનું ગૌરવ રાખીએ કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ડાઉનિંગ સ્ટ્રીટમાં જ ગત હિન્દુ નૂતનવર્ષ આરંભ કરવાનું પસંદ કર્યું હતું. આગામી મહિને હું ભારતની મુલાકાતે જઈશ ત્યારે તેમની મુલાકાત યાદ રાખીશ. યુરોપિયન યુનિયની બહાર આ મારી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે અને હું દિલ્હીથી બેંગ્લોર જઈશ. આ મુલાકાત આપણા દેશોના સંબંધો તેમજ ભવિષ્યની સહયોગી મહત્ત્વાકાંક્ષાઓની સાચી ઊજવણી બની રહેશે.’

BAPS સ્વામીનારાયણ મંદિરના સ્વયં સેવકો દ્વારા મહેમાનોને પ્રસાદના બોક્સિસનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાગાસન દ્વારા શાકાહારી સ્ટાર્ટર્સ, મોકટેલ્સ અને ભારતીય મીઠાઈઓનું કેટરીંગ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter