વડા પ્રધાન મોદીના હસ્તે લંડનમાં આંબેડકર ભવન ખુલ્લું મૂકાશે

Wednesday 28th October 2015 06:14 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાને તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે લંડનમાં આવેલું આંબેડકર ભવન હવે ભારત સરકારની માલિકીનું છે અને આપણા સહુ માટે પ્રેરણાનો સ્રોત છે. વડા પ્રધાન મોદીએ ૧૧ ઓક્ટોબરે મુંબઈની મુલાકાત સમયે ડો. બાબાસાહેબ આંબેડકરની ચૈત્ય ભૂમિ નજીક તેમના વિશાળ સ્મારકનો શિલાન્યાસ કર્યો ત્યારે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.

નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં રૂપિયા ૩૧ કરોડ (£૩.૧ મિલિયન)ની કિંમતે ખરીદી લીધો છે. આ સ્થળને ‘ભારત રત્ન’ ડો. ભીમરાવ રામજી આંબેડકર આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ અને સ્મારકમાં રૂપાંતરિત કરાશે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર ૧૯૨૧-૨૨ દરમિયાન લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આ સ્થળે રહેતા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સહકારથી ભીમરાવ આંબેડકર ઉચ્ચ શિક્ષા લેવા લંડન ગયા હતા.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે જણાવ્યું હતું કે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરવા દર વર્ષે બે દલિત વિદ્યાર્થીને આંબેડકર ફેલોશિપ આપવામાં આવશે. ભારતના હાઇ કમિશનર રંજન મથાઈ, બુદ્ધિસ્ટ ફોરમના સંતોષ દાસ સાથે મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ ઐતિહાસિક ઘરની મુલાકાત લીધી હતી અને ‘સંતોષ’ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter