લંડનઃ બ્રિટન આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થી સ્વીકારશે તેવી ડેવિડ કેમરનની જાહેરાત સામે લેબર પાર્ટીએ વધુ શરણાર્થી લેવાની માગણી કરી છે. આ મધ્યે ૪૫ ટકા બ્રિટિશરો માને છે કે આંકડો વધુ છે. YouGov દ્વારા કરાયેલા સર્વેમાં ચારમાંથી એક અથવા ૨૭ ટકાએ કેમરનના નિર્ણયને ટેકો આપ્યો છે. માત્ર ૧૫ ટકાએ પુરતું કામ ન થતું હોવાના મુદ્દે આ સંખ્યા ઓછી હોવાનું જણાવ્યું છે. આ સર્વેમાં આશરે ૧૦,૦૦૦ લોકોનો અભિપ્રાય લેવાયો હતો.
કેમરનની જાહેરાત મુજબ સીરિયાના પડોશી દેશોમાં ઉભી કરાયેલી છાવણીઓમાંથી જ પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ શરણાર્થીને સ્વીકારાશે. બ્રિટને સીરિયાને લાખો પાઉન્ડની મદદ પણ કરી છે. જોકે, સર્વે હેઠળના મતદારોએ આ સંખ્યા વધુ પડતી હોવાનું જણાવી તેનો વિરોધ કર્યો છે. લેબર પાર્ટીના સમર્થકો પણ વધારાના શરણાર્થી અંગે ચિંતિત છે. ૧૦માંથી ચાર અથવા ૩૮ ટકા લેબર સમર્થકોએ ૨૦,૦૦૦થી ઓછાં શરણાર્થીને આશ્રયની ઈચ્છા દર્શાવી છે.
લેબર સમર્થકોનો વિરોધ હોવા છતાં શેડો હોમ સેક્રેટરી ઈવેટ કૂપરે યુરોપમાં આવી ગયેલાં શરણાર્થીઓને પણ બ્રિટને આશરો આપવો જોઈએ તેવી માગણી કરી છે. કટોકટી આ વર્ષની છે ત્યારે માત્ર ૪,૦૦૦ને આશરો આપવો પૂરતો નથી. ફ્રાન્સ અને જર્મનીએ હજારોને આશરો આપવા જાહેરાત કરી છે.
YouGov વેબસાઈટ પર અલગ મતદાનમાં ચારમાંથી એક કરતા વધુ લોકોએ કોઈ પણ સીરિયન માઈગ્રન્ટ નહિ સ્વીકારવા જણાવ્યું હતું, જ્યારે આઠ ટકાએ ૧૦૦૦, અને નવ ટકાએ ૫,૦૦૦ની સંખ્યાની તરફેણ કરી હતું. સમગ્રતયા ૪૪ ટકાએ ૫,૦૦૦થી ઓછી અને ૧૬ ટકાએ ૧૦,૦૦૦ શરણાર્થીની સંખ્યાની તરફેણ કરી હતી.