લંડનઃ પૂર્વ સ્પાઈસ ગર્લઅને ફેશન ડિઝાઈનર વિક્ટોરિયા બેકહામ વોલસેન્ડમાં આવેલી ટાયનેસાઈડ ફિશ એન્ડ ચીપ શોપ સામે કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહી છે. ટાયનેસાઈડ ફિશ એન્ડ ચિપ શોપ દ્વારા તેની જાહેરાતમાં જણાવાયું હતું કે તેમના પીઝાની પોપડી ‘બેકહામ કરતાં પણ પાતળી’ છે.
સિધુ‘સ ગોલ્ડન ફિશ એન્ડ ચિપ્સની ડિલિવરી વાનમાં આવું સ્લોગન મૂકાયું હતુ, જેના પરિણામે મિસિસ બેકહામને આ મુદ્દે કાનૂની કાર્યવાહી કરવાનું કારણ મળ્યું છે. આ વાન પર ‘એનોરેક્સિક ફેશન આઈકોન’ના લખાણ સાથે વિક્ટોરિયા બેકહામનું કેરિકેચર મૂકાયું હતું. આ ઉપરાંત, કાર્ટૂન તરફ તીર લગાવી લખવામાં આવ્યુ હતું કે આ તો કાંઈ વધુ પાતળું નથી. બીજું તીર તેમની પિઝા તરફ રખાયું હતું જેમાં કહેવાયું હતું કે ‘પાતળું તો આ કહેવાય.’
વિક્ટોરિયા બેકહામનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્યક્તિની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખતા કોઈ ડિસઓર્ડર મુદ્દે આ પ્રકારની રમૂજ તદ્દન અનુચિત, અવિચારી અને બદનક્ષીકારક છે. કમનસીબે હવે આ કાનૂની બાબત છે.’ શોપના મેનેજર સોની સિધુએ જણાવ્યું હતું કે,‘મેનેજર તરીકે અને અમારા સ્ટાફ અને માલિક વતી એટલું કહીશ કે ઈટિંગ ડિસઓર્ડર્સ કેટલા ગંભીર હોય છે તે અમે જાણીએ છીએ અને ઈટિંગ ડિસઓર્ડર્સ સાથેની વ્યક્તિઓની અમે કદી મશ્કરી કરીશું નહિ’