વિજય માલ્યાએ નાકલીટી તાણીઃ વ્યાજ માફ કરો, મૂડી આપી દઇશ

Friday 07th December 2018 07:33 EST
 
 

લંડન-નવી દિલ્હીઃ ભારતીય બેંકોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ફૂલેકું ફેરવીને લંડન જઇ વસેલા વિજય માલ્યાએ હવે પોતાના સૂર બદલ્યા છે. અત્યાર સુધી ભારત આવવાની ના પાડનારો માલ્યા લોનની ભરપાઈ કરવા પણ તૈયાર નહોતો. જોકે હવે તેણે કહ્યું છે કે બેંકોને લોન પેટે જેટલા નાણાં ચૂકવવાના બાકી છે તેની ભરપાઈ કરવા તૈયાર છું. જોકે તેણે આ લોન પરનું વ્યાજ માફ કરવાની માગણી કરી છે. તેનો દાવો છે કે આ મામલે મેં કર્ણાટક હાઈ કોર્ટમાં પણ અરજી કરી છે, પણ તેના પર કોઈ ધ્યાન આપતું નથી. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જે અંગે આ મહિનામાં જ ચુકાદો આવવાની શક્યતા છે.
માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારતમાં મને એક અપરાધી તરીકે જોવામાં આવી રહ્યો છે, પણ મારા યોગદાન પર કોઈ ધ્યાન નથી આપતું. મારી એરલાઈન્સ કિંગફિશરે ત્રણ દસકા સુધી ભારતમાં વ્યાપાર કર્યો. આ દરમિયાન મારી કંપની થકી મેં દેશમાં જ અનેક રાજ્યોને મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે માલ્યાના ભારત પ્રત્યાર્પણ માટે હાલ લંડનની કોર્ટમાં નિર્ણાયક તબક્કામાં સુનાવણી ચાલે છે. ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ, માલ્યાએ લંડનની કોર્ટમાં આ કાર્યવાહીનો વિરોધ કરતાં એવો દાવો કર્યો છે કે ભારતની જેલમાં કોઈ સુવિધા નથી. આ પછી કોર્ટે ભારતના જેલ સત્તાધિશો પાસેથી જેલની અંદરની સ્થિતિનો વીડિયો મંગાવ્યો હતો. ભારત સરકારે આ વીડિયો કોર્ટમાં રજૂ કરી દીધો છે. એવા અહેવાલો છે કે લંડન કોર્ટે આ વીડિયો જોઇ લીધો છે અને હવે તે ગમેત્યારે માલ્યાને ભારત હવાલે કરવાનો આદેશ આપી શકે છે. આ ડરના કારણે જ ભીંસમાં આવેલા માલ્યાએ હવે બેંકોને લોનની મૂળ રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી છે.
માલ્યાએ વિનંતીના સૂરમાં કહ્યું છે કે હું બેંકોની મૂળ રકમ આપવા તૈયાર છું. મહેરબાની કરીને લઈ લો. વિજય માલ્યાના આ બદલાયેલા સૂર ત્યારે એવા સમયે આવી રહ્યા છે જ્યારે વીવીઆઈપી અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના વચેટિયા જેમ્સ ક્રિશ્ચિયન મિશેલને ભારતમાં પ્રત્યાર્પણથી લાવવામાં આવ્યો છે. દુબઇના સત્તાવાળાઓએ જે રીતે ભારત સાથે સહમત થઈને ક્રિશ્ચિયન મિશેલને ભારત મોકલ્યો છે તેવી જ રીતે હવે બ્રિટન સરકાર પણ માલ્યાને ભારત હવાલે કરી શકે છે. આમ પ્રત્યાર્પણના ડરને કારણે માલ્યાના સૂર બદલાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter