લંડનઃ ભારતીય બેન્કો વિરુદ્ધ કથિત ફ્રોડ અંગે લિકર બેરન વિજય માલ્યાના પ્રત્યાર્પણના કેસની સુનાવણીની આગામી તારીખ મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથનોટ સોમવાર, ૨૨ જાન્યુઆરીએ આ કેસની સુનાવણી કરવાનાં હતાં. જોકે, બંને પક્ષના વકીલો વચ્ચે પરસ્પર અનુકુળ તારીખ બાબતે મતભેદના કારણે લંડન કોર્ટમાં કેસની ચર્ચા થઈ શકી નથી. આગામી સુનાવણીની તારીખ થોડાં સપ્તાહમાં જાહેર કરાશે.
અગાઉની સુનાવણીમાં ભારતીય સત્તાવાળા દ્વારા રજૂ કરાયેલા પુરાવાને લક્ષમાં લેવા મુદ્દે કેસનો નિર્ણય લેવાયો ન હતો. માલ્યા વિરુદ્ધ મજબૂત પ્રાઈમા ફેસી કેસ ન હોવાનો દાવો કરતા બચાવ પક્ષની દલીલો પૂર્ણ થાય અને ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ ભારત સરકાર વતી પુરાવાઓની તરફેણમાં દલીલો કરે તે પછી જજ આર્બુથનોટ પુરાવા મુદ્દે ચુકાદો આપશે.
બીજી તરફ, માલ્યાને પ્રત્યાર્પણ વોરન્ટ મુદ્દે જામીન બીજી એપ્રિલ સુધી લંબાવાયા છે ત્યારે આગામી સુનાવણી આખરી દલીલો અને માલ્યાને ફ્રોડ અને મની લોન્ડરિંગના આરોપસર ભારતને પ્રત્યાર્પણ કરવું કે નહિ તેના ચુકાદા માટે સમયમાળખા તરફ દોરી જશે. ડિસેમ્બરમાં આ કેસ સાંભળતા જજ દ્વારા મુંબઈની આર્થર રોડ જેલમાં તબીબી સેવા સહિત કેટલુંક સ્પષ્ટીકરણ મગાયું હતું, જે ભારત સરકાર દ્વારા આપી દેવાયું છે. પ્રત્યાર્પણ વોરંટના આધારે સ્કોટલેન્ડ યાર્ડે એપ્રિલ ૨૦૧૭માં માલ્યાની ધરપકડ કરી હતી અને તે પછી તેને ૬૫૦,૦૦૦ પાઉન્ડના બોન્ડ પર જામીન અપાયા છે.