લંડનઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં તાજેતરમાં થયેલા શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાઓના પગલે કન્ઝર્વેટિવ સાંસદોએ પોલીસ બજેટોમાં સૂચિત કાપ અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ હવે હોમ સેક્રેટરી થેરેસા મે આ કાપને સરભર કરવા વિઝા ચાર્જીસ વધારવાની યોજના ઘડી રહ્યાં છે.
જોકે, આ યોજનાથી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ખુશ નથી. ચાન્સેલર ઓસ્બોર્નને ડર છે કે ઊંચા વિઝા ચાર્જીસ પર્યટકો અને વિદ્યાર્થીઓને બ્રિટનમાં આવતા અવરોધી શકે છે. યુકે શોર્ટ ટર્મ ટુરિસ્ટ વિઝા માટે ૮૫ પાઉન્ડ ચાર્જ કરે છે. જ્યારે આ જ પ્રકારના વિઝા માટે ફ્રાન્સ ૬૦ યુરો અને યુએસ ૧૬૦ ડોલરનો ચાર્જ કરે છે. સ્ટુડન્ટ વિઝા માટે યુકેનો ચાર્જ હાલ ૩૨૨ પાઉન્ડ છે, જ્યારે લાંબી મુદતના મુલાકાતીઓ માટે ફી વધતી જાય છે.
થેરેસા મેની નિકટના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી પાંચ વર્ષમાં હોમ ઓફિસના બજેટમાં ૨૦-૩૦ ટકાના સંભવિત કાપની અસર હળવી કરવા માટે વિઝા ચાર્જીસ આવકનો ચાવીરુપ સ્રોત બની શકે તેમ હોવાનું હોમ સેક્રેટરીનું માનવું છે.
હોમ ઓફિસ દ્વારા પોલીસિંગ, બોર્ડર સિક્યુરિટી અને કાઉન્ટર-ટેરરિઝમ એમ ત્રણ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ વિભાગોને ભંડોળ પૂરું પાડવામાં આવે છે ત્યારે તેના બજેટમાં કેવી રીતે કાપ મૂકવો તેની ગંભીર વિચારણા ભાવિ કન્ઝર્વેટિવ નેતાગીરીના બે સંભવિત મુખ્ય ઉમેદવાર થેરેસા મે અને જ્યોર્જ ઓસ્બોર્ન કરી રહ્યા છે.
કેટલાંક નાના વિભાગો આગામી ૨૦૨૦ સુધીમાં ૩૦ ટકાના બજેટકાપ માટે સંમત થઈ ગયા છે, પરંતુ હોમ ઓફિસ વિશે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ગયા વર્ષે હોમ ઓફિસના બજેટના ૭૨ ટકા અથવા તો ૧૧ બિલિયન પાઉન્ડનો ખર્ચ ક્રાઈમ અને પોલીસિંગ પાછળ થયો હતો. હોમ ઓફિસે વિઝા ચાર્જીસમાંથી એક બિલિયન પાઉન્ડ જેટલી રકમ ઉભી કરી છે. પોલીસ બજેટનો કાપ જો ૧૦ ટકા સુધી રાખવો હોય તો આ ચાર્જીસને બમણા કરવાની જરૂર રહે છે. જોકે, આટલો વધારો પણ શક્ય નથી.