થેરેસા મે દ્વારા તૈયાર નવા સખત નિયમો હેઠળ વિદેશી વિદ્યાર્થીઓની તેમના અભ્યાસક્રમ પૂર્ણ થવા સાથે જ દેશમાંથી હકાલપટ્ટી કરી દેવાશે. ભાવિ કન્ઝર્વેટિવ સરકાર સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન આવેલાને ઘેર પરત મોકલી ઝીરો નેટ સ્ટુડન્ટ માઈગ્રેશન તરફ ગતિ કરે તેમ હોમ સેક્રેટરી ઈચ્છે છે.
પોલીસને મુસ્લિમ વચેટિયાની તલાશ
યુવાન જેહાદી નવવધુઓ માટે મેચમેકરની ભૂમિકા ભજવતી વ્યક્તિની પોલીસને તલાશ છે. સીરિયાનો પ્રવાસ ખેડવા માટે તૈયાર છોકરીઓને રોકડ નાણા ઓફર કરવાનું કૌભાંડ બહાર આવ્યા પછી પોલીસે ઈસ્લામિક સ્ટેટ જેહાદીઓ સાથે સંકળાયેલા મનાતા ધર્માંતર કરેલા શ્વેત મુસ્લિમની તપાસ આરંભી છે. સરહદ પારના અપરાધી અને ત્રાસવાદીઓ મારફત ઓફર કરાતા નાણા માટે વેસ્ટર્ન યુનિયન જેવી એજન્સીઓના ઉપયોગ અંગે પણ સાંસદોએ ચિંતા દર્શાવી છે.
ડોક્ટર અને બે નર્સ સામે ઘોર બેદરકારીથી બાળમૃત્યુનો આરોપ
લેસ્ટર રોયલ ઈન્ફર્મરી ખાતે છ વર્ષના બાળક જેક એડકોકના મૃત્યુના પગલે ડો. હાદિઝા બાવા-ગાર્બા અને બે નર્સ થેરેસા ટેઈલર અને ઈઝાબેલ અમારો પર ઘોર બેદરકારીથી માનવવધનો આરોપ લગાવાયો હતો. ક્રાઉન પોલીસ પ્રોસીક્યુશન સર્વિસના પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે જેકની સારવાર અને સંભાળ અંગે લેસ્ટર પોલીસની તપાસમાં પૂરતાં પુરાવા હાંસલ થયા છે. ડો.બાવા-ગાર્બા અને સિસ્ટર ટેઈલર અને નર્સ ઈઝાબેલ અમારો ૨૩ જાન્યુઆરીએ લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થશે.
ગેરકાયદે તમાકુના વેચાણ માટે લફબરોના વેપારીને જેલ
લફબરોના સ્પેરો હિલમાં ઈન્ટરનેશનલ સુપરમાર્કેટ ચલાવતા ૩૬ વર્ષીય વેપારી સરદાર ખેદીર હેરિસને ગેરકાયદે તમાકુના વેચાણ બદલ આઠ સપ્તાહ જેલની સજા થઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં હેરિસની દુકાન પર લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલ્સ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ સર્વિસ અને પોલીસના દરોડામાં ગેરકાયદે સિગારેટના ૧૨૩ પેકેટ અને બીડીના ૫૩ પાઉચ મળ્યાં હતા.
બ્રિટિશ આર્મીમાં મહિલા સૈનિકોને યુદ્ધમાં કામગીરી મળશે
ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને આશા વ્યક્ત કરી છે કે ફ્રન્ટલાઈન યુદ્ધસૈનિકની સ્ત્રીઓની ભૂમિકા પરનો પ્રતિબંધ આગામી વર્ષમાં ઉઠાવી લેવાશે. મહિલાઓ પર ઈન્ફન્ટ્રી ટ્રેનિંગની લાંબા ગાળાની અસરોના અભ્યાસ પછી વહેલી તકે આ નિર્ણ લેવાશે. તેમણે કહ્યું હતું કે આર્મી સીલેક્શન જાતિઆધારિત નહિ, પરંતુ ક્ષમતાના આધારે થવી જોઈએ. જોકે, તેમણે તાલીમના નિયમો હળવા બનાવવાનો સંપૂર્ણ વિરોધ કર્યો હતો.
બે વકીલો સામે આર્મીની બદનક્ષીના પ્રયાસનો આક્ષેપ
ડિફેન્સ સેક્રેટરી માઈકલ ફેલોને કાનૂની વ્યવસ્થાના દુરુપયોગ થકી બ્રિટિશ સૈનિકો સામે યુદ્ધ અપરાધોનો આક્ષેપ લગાવી મિલિટરીને બદનામ કરવા બદલ બે કાનૂની પેઢીઓ અને તેમના ક્લાયન્ટ્સ પાસેથી માફીની માગણી કરી છે. માનવ અધિકાર ધારાશાસ્ત્રીઓના આક્ષેપો પછી યુદ્ધક્ષેત્રમાં કથિત હત્યા, મ્યુટિલેશન અને અત્યાચારના આક્ષેપોમાં £૩૦ મિલિયનની તપાસમાં જણાયું હતું કે ઈરાકી સાક્ષીઓ પદ્ધતિસર જુઠું બોલ્યા હતા. આ રકમમાં વકીલોની £૫.૬ મિલિયન ફીનો સમાવેશ થાય છે.