લંડનઃ બેન્ક ઓફ ઈગ્લેન્ડના વડા માઈકલ કાર્નીએ ચેતવણી આપી છે કે વિદેશી કામદારોનો વધતો પ્રવાહ વેતનો નીચાં લાવી અર્થતંત્ર માટે જોખમ સર્જી રહ્યો છે. યુકેમાં કાર્યરત ૪.૮ મિલિયન વિદેશીઓમાં ઈયુ માઈગ્રન્ટ્સની સંખ્યા માત્ર ચાર વર્ષમાં ૫૦૦,૦૦૦ના વધારા સાથે આશરે બે મિલિયન થઈ છે. પોલેન્ડ સહિત ઈસ્ટર્ન બ્લોકના દેશોના કામદારોએ ૯૪૨,૦૦૦ નોકરીઓ મેળવી છે.
બેન્ક ગવર્નરે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં બ્રિટિશ કામદાર સમૂહ નોંધપાત્રપણે વધ્યો છે. રોજગારીની વૃદ્ધિ સામે કામદારો વધતાં વેતનવૃદ્ધિ અટકી છે. વૃદ્ધ કામદારોમાં વધારો અને વધુ સમય કામ કરવાની તૈયારી પણ આમાં ભાગ ભજવે છે. ચૂંટણીમાં વિજય પછી વડા પ્રધાન કેમરન ઈયુમાંથી યુકે આવતા કામદારોની સંખ્યા ઘટાડવા બ્રસેલ્સ નિયમો બદલે તેવી માગણી કરી રહ્યા છે.