લંડનઃ સુરક્ષા પડકારોને ધ્યાનમાં લેતાં બ્રિટનની યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓ માટે પરમાણુ, જૈવિક અને રાસાયણિક શસ્ત્રો અંગેના અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી વિદ્યાર્થીઓ ઘાતક શસ્ત્રો અંગેનું શિક્ષણ પ્રાપ્ત કરીને આતંકવાદી હુમલામાં મદદરૂપ બની શકે તેવા ભયને કારણે ૭૩૯ વિદેશી વિદ્યાર્થીને ચોક્કસ અભ્યાસક્રમોમાં એકેડેમિક ટેકનોલોજી એપ્રૂવલ સ્કીમ અંતર્ગત પ્રવેશ અપાયો નથી. બીજી તરફ, કેટલાંક સાંસદોએ બ્રિટિશ વિદ્યાર્થીઓને પણ આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ નહિ આપવા માગણી કરી છે.
યુરોપિયન સંઘ બહારના વિદેશી વિદ્યાર્થીઓને આ પ્રકારના ચોક્કસ અભ્યાસક્રમોથી દૂર રાખવા બ્રિટિશ સરકારે ૨૦૦૭માં આ યોજનાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ કેટલાંક સાસંદો દ્વારા તેનો જોરદાર વિરોધ કરાયો છે. સાંસદ સર જ્હોન સ્ટેન્લીએ જણાવ્યું હતું કે ૭૩૯ વિદેશી વિદ્યાર્થીને ચોક્કસ અભ્યાસક્રમોમાં પ્રવેશ અપાયો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે. આતંકવાદી હુમલાના ભયને કારણે બ્રિટિશ સરકારે એક અસામાન્ય પગલું લીધું છે. અમે ઓછામાં ઓછાં બે વર્ષ સુધી પ્રતિબંધ રાખવાની ભલામણ કરી હતી. પરંતુ તેને સતત નકારવામાં આવી રહી છે.
૨૦૧૪માં વિદેશ વિભાગને ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા અરજી અપાઈ હતી. હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા આ યોજનાની ટીકા કરાઈ છે. ગૃહે જણાવ્યું હતું કે આ યોજના વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે સમસ્યાઓ સર્જી રહી છે.