લંડનઃ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત અને જૂની ખાનગી યુનિવર્સિટી ઓફ લો (યુ-લો)એ તેના વિદ્યાર્થીઓને કાયદાનો લીગલ પ્રેક્ટિસ કોર્સ પૂરો થયાના નવ મહિના સુધી જો નોકરી નહીં મળે તો યુનિવર્સિટીની અડધી ફી પરત કરી દેવાની તૈયારી દર્શાવી છે. ગિલ્ડફોર્ડમાં ૧૯૬૨માં સ્થાપિત આ યુનિવર્સિટીની યુરોપમાં ભારે પ્રતિષ્ઠા છે. ગત બે વર્ષમાં યુ-લોનો પ્લેસમેન્ટ રેકોર્ડ ૯૭થી ૯૮ ટકાનો રહ્યો છે. અગાઉ, યુનિવર્સિટી ઓફ સ્કોટલેન્ડ દ્વારા પણ તેની ડીગ્રીઓ પૂર્ણ નહિ કરનારા વિદ્યાર્થી માટે રીબેટ સિસ્ટમ દાખલ કરવા વિચારાયું છે.
ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને લોભાવવા ‘૧૦૦ ટકા નોકરીની ગેરંટી’ આપે છે, પરંતુ યુનિવર્સિટી ઓફ લો તેનાથી પણ આગળ વધી છે. તેણે નવ મહિનામાં નોકરી નહિ મેળવનાર પોતાના વિદ્યાર્થીને અડધી ફી પરત કરવાની તૈયારી દર્શાવી છે. યુ-લોનું નવું સત્ર સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે યુનિવર્સિટીના સીઈઓ ડેવિડ જોન્સ્ટને જાહેરાત કરી છે કે કોર્સ પૂરો થયાના નવ મહિના સુધી જો તેના કોઈ વિદ્યાર્થીને નોકરી નહીં મળે તો યુનિવર્સિટીની અડધી ફી પરત કરી દેવાશે. યુ-લોના લીગલ પ્રેક્ટિસ કોર્સની ટ્યૂશન ફી £૧૪,૭૬૫ છે. કોર્સ પૂરો કર્યા બાદ જો નોકરી ન મળે તો વિદ્યાર્થી અડધી ફી પાછી મેળવવા દાવો કરી શકે છે.
ડેવિડ જોન્સ્ટને જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે આમ કર્યું નથી.
હાયર એજ્યુકેશન ક્ષેત્ર સંપૂર્ણપણે વ્યાવસાયિક બન્યું ત્યારે વિદ્યાર્થીઓને વળતર તો મળવું જ જોઇએ. અમારા વિદ્યાર્થીને કોર્સ પૂર્ણ કર્યા બાદ નોકરી ન મળે તો તે અમારી નિષ્ફળતા ગણાશે. વિદ્યાર્થીના મનમાં કોર્સ પછી નોકરી મળશે કે નહિ તેવા સતત ઘૂમરાતા સવાલને અમે ખતમ કરવા માગીએ છીએ. શિક્ષણ લોન લઈ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર દબાણ ખૂબ જ વધ્યું છે. બ્રિટન સહિત યુરોપીય દેશોમાં વિદેશી વિદ્યાર્થીઓને કામ કરવાના નિયમોમાં છૂટ મળવાથી સ્પર્ધા વધવા સહિતના તમામ કારણો ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે.