લંડનઃ મેયર ઓફ લંડન સાદિક ખાને યુકેમાં પોતાનું આખું અથવા મોટાભાગનું જીવન ગુજારનારા પરંતુ, હાલ સત્તાવાર બ્રિટિશ નાગરિકત્વ ન ધરાવતા ઘણાં બાળકો અને યુવાનોને ૧,૦૦૦ પાઉન્ડ કરતાં વધુની અસહ્ય ફીમાંથી મુક્તિ આપવા અને તાકીદે પગલાં લેવા સરકારને અનુરોધ કર્યો હતો.
આ યુવાનો પૈકી ઘણાંએ ૧૮ વર્ષ પછી આગળ અભ્યાસ માટે અરજી કરી ત્યારે જ તેમને ખબર પડી હતી કે તેમની પાસે ‘સિક્યોર સ્ટેટસ’ નથી અને તેથી મોટાભાગના યુવાનો આગળનું શિક્ષણ મેળવી શકતા નથી.
સિક્યોર સ્ટેટસ વિના યુવાનોને યુનિવર્સિટીનું શિક્ષણ પોષાય તેમ નથી. તેમને સ્ટુડન્ટ લોન પણ મળે નહીં અને રોજગાર પણ ન મળે. યુનિવર્સિટી તેમને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ગણીને શિક્ષણ માટે તેમની પાસેથી હજારો પાઉન્ડની ફી વસૂલે.
તેઓ ઉપેક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે. સરકાર લીવ ટુ રિમેન ઈન યુકે માટેની તેમની અરજી પર પણ જંગી નફો મેળવે છે. આ યુવાનોને તેઓ સરકારના શત્રુ હોય તેવું લાગે છે કારણ તે તેઓ ભાડે ઘર લઈ ન શકે, બેંક એકાઉન્ટ ન ધરાવી શકે, ડ્રાઈવ ન કરી શકે અથવા જરૂરી હેલ્થ સર્વિસ મફત ન મેળવી શકે. આ બધી બાબત તેમના અહીં રહેવાનો અધિકાર પૂરવાર કરવાના માર્ગમાં વધુ અવરોધો ઉભા કરે છે.
તેમાંના મોટાભાગના યુવકો તેમના પિતા સાથે યુકે આવ્યા હતા અથવા તો બ્રિટનમાં રહેવાનું સિક્યોર સ્ટેટસ ધરાવતા માઈગ્રન્ટ પેરેન્ટ્સના સંતાન છે.