લંડનઃ પાર્લામેન્ટની બહાર આતંકી હુમલાના પગલે હાઈ પ્રોફાઈલ સ્થળો વિન્ડસર કેસલ અને બકિંગહામ પેલેસની સુરક્ષા વધારી દેવાઈ છે. થેમ્સ વેલી પોલીસ દ્વારા સમીક્ષા કરાયા પછી ચેન્જિંગ ઓફ ગાર્ડ સેરિમનીના રક્ષણ માટે વિન્ડસર પેલેસની બહાર અવરોધો ઉભાં કરવામાં આવ્યા છે, જ્યારે બકિંગહામ પેલેસની બહાર વધારાની સિક્યુરિટી ગોઠવાઈ છે.
કોઈ કાર પેવમેન્ટ પર ધસી ન આવે તે માટે વિશાળ મેટલ બોલાર્ડ્સ પણ ગોઠવવામાં આવ્યાં છે. રાજધાની લંડનમાં પણ સશસ્ત્ર પોલીસ પેટ્રોલની સંખ્યા બમણી કરી દેવાઈ છે. પાર્લામેન્ટ સ્ક્વેર નજીક બ્લાસ્ટ અને બૂલેટ પ્રતિકારક ટ્રક્સ ગોઠવી દેવાઈ છે.
લંડનના પર્યટને આવતાં લોકોમાં ચેન્જિંગ ઓફ ગાર્ડ સેરિમની ભારે લોકપ્રિય છે અને દર વર્ષે ૧.૩ મિલિયનથી વધુ લોકો કેસલની મુલાકાત લે છે. થેમ્સ વેલી પોલીસના ચીફ કોન્સ્ટેબલ ડેવ હાર્ડકેસલે જણાવ્યું હતું કે વિન્ડસર કેસલ પર ખતરાના કોઈ ઈન્ટેલિજન્સ પૂરાવા નથી પરંતુ, તાજેતરની ઘટનાથી વધુ સલામતીની જરૂર જણાઈ છે.
જોકે, બર્કશાયરના ઘણા રહેવાસીઓ આ ટુંકી નોટિસે લગાવાયેલી સુરક્ષાથી અને પાર્કિંગ બે પરના કબજાથી ખુશ નથી. આ પગલાંથી સુંદરતાનો નાશ થયો હોવાનું પણ તેઓ માને છે.