લંડનઃ ઈલિંગ સાઉથહોલના લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્મા ક્વીન્સ કોમનવેલ્થ કેનોપીના ભાગરુપે વૃક્ષારોપણના અભિયાનમાં ૫૦૮ સાંસદોની સાથે સામેલ થયા છે. તેઓ ૨૬ ઓક્ટોબરે સાઉથહોલ પાર્કમાં સવારે ૧૦ વાગ્યે પાંચ વૃક્ષ રોપશે. વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આ છોડવાંને મોટાં વૃક્ષ થતાં જોવામાં મને આનંદ થશે.
સાઉથહોલ પાર્કસ્થિત આ વૃક્ષોનું જતન ઈલિંગ કાઉન્સિલ કરશે. મહારાણી દ્વારા કોમનવેલ્થને અપાયેલી આજીવન સેવાની યાદમાં આ પ્રોજેક્ટનો આરંભ કરાયો છે.
વૂડલેન્ડ ટ્રસ્ટ, સેઈન્સબરી અને આઈટીવીની ભાગીદારીમાં આ પ્રોજેક્ટ કરાયો છે. અગાઉ, આઈટીવી દ્વારા ધ ક્વીન્સ ગ્રીન પ્લેનેટ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી હતી. જેના પગલે વૂડલેન્ડ ટ્રસ્ટ દ્વારા ૫૦,૦૦૦ વૃક્ષો દાનમાં અપાયાં છે. યુકેના દરેક સાંસદને વૃક્ષારોપણ માટે પ્લાન્ટ આપવામાં આવનાર છે.