લંડન: શ્રધ્ધાળુઅોની વધતી જરૂરિયાતોને પૂરી કરવા વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના કમ્પાઉન્ડમાં વધારાની કાર પાર્કિંગ સ્પેસ ઉભી કરવા, વડિલો માટે કેર હોમ અને હાલના મંદિરના વિસ્તરણ માટે બ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ કરાયેલી અરજી અંગે પ્લાનીંગ કમિટીની મીટીંગનું આયોજન મંગળવાર, તા. ૫ જુલાઈએ સાંજે ૭ વાગ્યે કરવામાં આવ્યું છે. જે બેઠકમાં પ્લાન અંગે નિર્ણય લેવાશે. વિલ્સડન સ્વામિનારાયણ મંદિર માટે મહત્વપૂર્ણ એવી આ બેઠકમાં હાજર રહી સહકાર આપવા હિન્દુ સમાજના સર્વેને અનુરોધ કરાયો છે.
મંદિર દ્વારા રજૂ કરાયેલ પ્લાનીંગ અરજીના સુંદર પ્રોજેક્ટમાં લોકલ રોડ પર વાહનોનું દબાણ ઘટે અને મંદિરે દર્શને આવતા આપણા વૃધ્ધ અને ડિસેબલ્ડ હરીભક્તોને ખૂબ દૂર સુધી પાર્કિંગ ન કરવું પડે તે માટે મંદિરના કમ્પાઉન્ડમાં વધારાની કાર પાર્કિંગ સ્પેસ ઉભી કરવાનો હેતુ છે. આ ઉપરાંત વડિલો માટે કેર હોમ અને હાલના મંદિરના વિસ્તરણ માટે પણ મંજુરી આપવા વિનંતી કરવામાં આવી છે. જોકે, નવા પ્રોજેક્ટ મુજબ મંદિરના પ્રાર્થના હોલમાં કોઈ વધારો નહિ કરાય.
મંદિરની પ્લાનિંગ કમિટીના સભ્ય કાનજીભાઇ જેસાણીએ જણાવ્યું હતું કે 'મંદિર દ્વારા પ્લાનને અમલી બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. પ્લાન માટે તમામ રિપોર્ટ મળી રહે તે માટે મંદિર દ્વારા સ્વતંત્ર સર્વેયરો નિયુક્ત કરાયા છે, જેમના રિપોર્ટ તમામ લોકો જોઈ શકે તે માટે બ્રેન્ટ કાઉન્સિલની વેબસાઈટ પર મૂક્યા છે. મંદિરના આ મહત્વના કામ માટે પ્લાનીંગ કમીટીની બેઠકમાં હાજર રહેવા સૌ હિન્દુ ભાઇ બહેનોને હું નમ્ર વિનંતી કરૂ છું.'
વડીલો માટે કેરહોમ અંગે મંદિરના પ્રમુખ મનજીભાઇ હિરાણીએ જણાવ્યું હતું કે 'અમે પ્લાનને કોમર્શિયલ પ્રયોગ તરીકે નથી જોતા. આ તો આપણા હિન્દુ સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટેનું મુલ્યવાન રોકાણ છે. અમે અન્ય કેરહોમ કરતાં વધુ સારી સેવા આપી શકીશું. હિંદુ કોમ્યુનિટીએ આ પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે અને અમને સમાજના લોકોના વધુ સહયોગની હજુ ખૂબ જરૂરીયાત છે.