લંડનઃ વિશ્વની હેલ્થ અને વેલનેસ શ્રેષ્ઠતા યાદીમાં બ્રિટનનો ક્રમ ૨૭મો આવ્યો છે. બ્રિટન તવંગરોની યાદીમાં વિશ્વમાં પાંચમા ક્રમે હોવાં છતાં દેશમાં સ્થૂળતાના પ્રમાણે તેને આરોગ્ય અને કલ્યાણ યાદીમાં નીચલા ક્રમે ધકેલ્યું છે. એક અભ્યાસ અનુસાર સમૃદ્ધિનાં ઉચ્ચ ધોરણોમાં બ્રિટન ૧૧મો ક્રમ ધરાવે છે. ‘સોશિયલ પ્રોગ્રેસ ઈન્ડેક્સ’માં નોર્વે પ્રથમ, સ્વીડન દ્વિતીય અને સ્વીટ્ઝર્લેન્ડ તૃતીય ક્રમે છે.
બ્રિટિશ વસ્તીમાં ચારમાંથી એક વ્યક્તિ અથવા તો ૨૫ ટકા સ્થૂળ છે ત્યારે માત્ર આ મુદ્દે ૧૩૩ દેશોમાં બ્રિટનનો ૧૧૧મો ક્રમ છે. બ્રિટનની સરખામણીએ ફ્રાન્સમાં મેદસ્વી લોકોની સંખ્યા ૧૫.૬ ટકા, ઈટાલીમાં ૧૭.૨ ટકા અને જર્મનીમાં ૨૧.૩ ટકા છે. વિશ્વમાં સ્થુળતાની સૌથી ખરાબ પરિસ્થિતિ મિડલ ઈસ્ટ-કુવૈત, સાઉદી અરેબિયા, ઈજિપ્ત અને જોર્ડનમાં છે. આ મુદ્દે યુએસ ૧૨૬મા ક્રમે છે.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના તજજ્ઞોએ ‘સોશિયલ પ્રોગ્રેસ ઈન્ડેક્સ’ની ગણતરી માટે સમૃદ્ધિ, આવશ્યક તબીબી સંભાળ અને દૈનિક પોષણ, આરોગ્ય અને ફિટનેસ, શિક્ષણ, રાજકીય અને સ્વવિવેકાધિકાર તથા સ્વાતંત્ર્યો, હાઉસિંગ અને એનર્જી, સહિષ્ણુતાનું પ્રમાણ, ગુનાખોરીના દર સહિતનો આધાર લીધો હતો. ઈન્ડેક્સના વડા માઈકલ ગ્રીન કહે છે કે,‘ બ્રિટન સામાજિક દૃષ્ટિએ યુએસ, બેલ્જિયમ, ફ્રાન્સ, આયર્લેન્ડ કે સ્પેનથી ઘણું આગળ છે, પરંતુ તમામ નોર્ડિક રાષ્ટ્રો, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી પાછળ છે.’
ભૂખ પર વિજય, પાણી અને સ્વચ્છતા પૂરી પાડવા, વીજ પૂરવઠો, નીચો હત્યા દર, પુખ્ત સાક્ષરતા તેમજ વાણી અને હેરફેરની સ્વતંત્રતાના મુદ્દા પર વિશ્વમાં બ્રિટન પ્રથમ છે. વિશ્વમાં નામનાપ્રાપ્ત યુનિવર્સિટીઓની સંખ્યા, સ્ત્રીઓમાં નાની વયે લગ્નનું ઓછું પ્રમાણ અને મોબાઈલ વપરાશકારોની સંખ્યાના મુદ્દે પણ તે પ્રથમ ક્રમે છે. જોકે, બ્રિટન ચેપી રોગોથી મૃત્યુ (૩૨મો ક્રમ), ગુનાખોરી વિશે જાહેર ચિંતા (૩૩મો ક્રમ), અખબારી સ્વાતંત્ર્ય (૨૭મો ક્રમ), ધાર્મિક સ્વાતંત્ર્ય (૫૦મો ક્રમ) અને ધાર્મિક સહિષ્ણુતા (૮૦મો ક્રમ), માનવ વપરાશ માટે જળસ્રોતોનું પ્રમાણ (૮૨મો ક્રમ) અને વન્યજીવન આવાસના વિનાશના મુદ્દે ૫૩મો ક્રમ ધરાવે છે. સમગ્રપણે સમૃદ્ધિ, આરોગ્ય અને સહિષ્ણુતાના ઉચ્ચ માપદંડ સાથે ૧૦ સૌથી સભ્ય અને શ્રેષ્ઠ લોકો ધરાવતા દેશોની યાદીમાંથી બ્રિટન બહાર આવી ગયું છે.