લંડનઃ વિશ્વના સર્વપ્રથમ ઈકો-ટેમ્પલ તરીકેની નામના પ્રાપ્ત કરનારા શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીની બીજી વર્ષગાંઠ રવિવાર, ૨૮ ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે ઉજવાઈ હતી, જેમાં લંડનના મેયર સાદિક ખાન વિશેષ મહેમાન હતા. મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના વૈશ્વિક આધ્યાત્મિક નેતા આચાર્ય સ્વામીશ્રી મહારાજે મેયર સાદિક ખાનનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનની વિશિષ્ઠ પાઘ પહેરાવીને મેયર ખાનનું સન્માન કરાયું હતું. હાથથી બાંધવામાં આવતી આ પાઘડી સમાજના વિશિષ્ઠ અને અગ્રણી નેતાઓને બાંધવામાં આવે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શપથવિધિની રેલીમાં પણ આ પાઘડી પહેરી હતી.
ભાવિકોથી ભરચક મંદિરમાં મેયર ખાને જણાવ્યું હતું કે,‘ગઈ વખતે હું અહીં આવ્યો ત્યારે ચૂંટણીમાં મારા વિજય માટે પ્રાર્થના કરવા અને આશીર્વાદ આપવાની માગણી કરી હતી. આજે તમારા મેયર તરીકે તમારા સમર્થન અને પ્રાર્થના તેમજ આશીર્વાદ માટે આભાર વ્યક્ત કરવા અહી આવવાનો મને આનંદ છે. તે દિવસે હિઝ હોલીનેસનું લંડનમાં સ્વાગત કરવા હું અહીં ફરી આવીશ તેવી મેં ખાતરી આપી હતી અને બાપા, આપને મળીને મને અતિશય આનંદ થાય છે.’
લંડનના મેયર તરીકેનો પદભાર સંભાળ્યો તે અગાઉની મુલાકાતમાં સાદિક ખાન મંદિરની પર્યાવરણ વિશેષતાઓથી ખાસ પ્રભાવિત થયા હતા. તેમણે ફરીથી કહ્યું હતું કે,‘ આ મંદિર વિશ્વના સર્વપ્રથમ ઈકો-ટેમ્પલ તરીકે પ્રખ્યાત હોવાનું આપણને ગૌરવ છે, જે બાકીના સમગ્ર વિશ્વ અને લંડન માટે દીવાદાંડી સમાન છે. મને આશા છે કે આપની પ્રેરણાના પગલે હવે લંડનમાં અનેક ઈકો મંદિર, ઈકો ગુરુદ્વારા, ઈકો મસ્જિદ, ઇકો સીનેગોગ અને ઈકો ચર્ચનું મોજું પ્રસરશે.’
પ્રતિષ્ઠિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપબેન્ડની ધૂનો સાથે મેયરને મંદિરમાં લઈ જવાયા હતા, જ્યાં ખુદ આચાર્ય સ્વામીશ્રી મહારાજે તેમનું સ્વાગત કર્યું હતું. સ્વામીશ્રી મહારાજે કહ્યું હતું કે ઈશ્વર પ્રતિ તમારા પ્રેમના કારણે જ તમે ભગવાન શ્રી સ્વામીનારાયણના મહાલયમાં આવ્યા છો.’ સ્વામીશ્રી મહારાજે અસ્ખલિત અને શુદ્ધ હિન્દી ભાષામાં મેયર સાદિક ખાનના નામનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, ‘સાદિકનો અર્થ સત્યપ્રેમી અથવા પ્રામાણિક’ થાય છે. ‘સા’ ‘દિક’ એટલે જે ઈશ્વરની દિશાનું અનુસરણ કરે છે, જ્યારે ખાનનો અર્થ ગૌરવ સાથે કાર્ય કરનાર થાય છે.’ આમ, મેયરનું નામ સંપૂર્ણપણે યોગ્ય છે.’
મેયરને અગાઉ મંદિરની વિવિધ સ્પોર્ટ્સ, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સખાવતી પ્રવૃત્તિઓ જાણવાની તક સાંપડી હતી અને તેના કાર્યકરોને પણ મળ્યા હતા. મંદિરની દ્વિતીય વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે અહીં આવતા તેમને એ બાબતે ખાસ આનંદ થયો હતો કે, આરોગ્ય, ન્યાય, કૌશલ્ય અને પર્યાવરણ સહિત તેમના દ્વારા ઉચ્ચારાયેલી કેટલીક નીતિઓ સંબંધિત ખાતરીઓનું કાર્ય મંદિર દ્વારા થઈ જ રહ્યું છે. મેયર સાદિક ખાને પ્રશંસા કરતા કહ્યું હતું કે,‘ આ કોમ્યુનિટીના અન્યો પ્રતિ અદ્ભૂત સેવાકાર્યથી અમે ગૌરવાન્વિત છીએ. માત્ર આ જ વર્ષમાં મંદિરની કોમ્યુનિટીએ સેન્ટ લ્યુક્સ હોસ્પિસ માટે નાણા એકત્ર કર્યા હતા તેમજ નિયમિત રક્તદાન શિબિરો પણ યોજી હતી. મંદિર દ્વારા અત્યાર સુધી ૧૭૦૦થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. મંદિરે યુવા વર્ગને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા ઉપરાંત, આપના ધર્મના મૂલ્યોનું દર્શન કરાવવા સાથે આ મહાન નગરના આદર્શ નાગરિક કેવી રીતે બની શકીએ તે પણ શીખવ્યું છે.
સ્વામીનારાયણ મંદિરનું મિશન ‘સાથે મળીને સમાજને સ્વની આગળ રાખવાની પ્રેરણા’ આપવાનું છે. મેયર સાદિક ખાને આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રશંસા કરતા કહ્યું હતું કે,‘ધર્મમાં આપની સમર્પિતતા, લોકોની સેવા અને નિઃસ્વાર્થતાના આપના મૂલ્યો મારા અને હજારો લંડનવાસીઓ માટે પ્રેરણા છે. કિંગ્સબરી મંદિર કોમ્યુનિટી માટે હું અને લંડન કેટલું ગૌરવ અનુભવીએ છીએ તે હું આપને કહેવા ઈચ્છું છું.’
મેયર સાદિક ખાનનું સન્માન સમાજના વિશિષ્ટ મહાનુભાવોના સન્માન માટે જ ઉપયોગમાં લેવાતી શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનની વિશિષ્ઠ પાઘ પહેરાવીને કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના શપથવિધિ સમારોહ પછીની રેલીમાં આ પાઘડી પહેરી હતી. સંબોધનનું સમાપન કરતા મેયરે પુનઃ આચાર્ય સ્વામીશ્રી મહારાજને આદરાંજલિ આપતા જણાવ્યું હતું કે, ‘બાપા, મહાન લંડન નગરને આવી ઉદાર કોમ્યુનિટી આપવા બદલ આપનો આભાર માનું છું. માત્ર આ કોમ્યુનિટીની જ નહિ, પરંતુ પેઢીઓ પર્યંત સમગ્ર લંડનની કોમ્યુનિટીઓની સેવા કરશે તેવા આ સુંદર પ્રતિષ્ઠિત મંદિરની ભેટ લંડન નગરને આપવા બદલ પણ આપનો આભાર.’