લંડનઃ વિશ્વની શ્રેષ્ઠ ૫૦ યુનિવર્સિટીમાં બ્રિટનની ૧૦ યુનિવર્સિટી સ્થાન ધરાવે છે. ટોપ-૫૦ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને યુએસ અને દ્વિતીય સ્થાને બ્રિટન છે. એક માત્ર લંડન એવું શહેર છે, જેની ચાર યુનિવર્સિટીને ટોપ-૫૦માં સ્થાન મળ્યું છે. યુનિવર્સિટી કોલેજ લંડન, ઈમ્પિરિયલ અને કિંગ્સ કોલેજ લંડનને પ્રથમ ૨૦માં સ્થાન મળ્યું છે, જ્યારે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ રેટિંગમાં થોડા સુધારા સાથે ૩૫મા ક્રમે છે. અન્ય યાદીમાં સર્વશ્રેષ્ઠ ૨૫ મેનેજમેન્ટ સ્કૂલ્સમાં ભારતના અમદાવાદ અને કોલકાતાની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટને અનુક્રમે ૧૫ અને ૧૬મું સ્થાન મળ્યું છે.
ગયા વર્ષે સંયુક્ત બીજુ સ્થાન ધરાવનાર કેમ્બ્રિજ યુનિવર્સિટી આ વર્ષે સ્ટેનફોર્ડ સાથે સંયુક્ત ત્રીજા ક્રમે આવી છે. ઓક્સફર્ડ, યુસીએલ અને ઈમ્પિરિયલ અનુક્રમે છઠ્ઠા, સાતમા અને આઠમા સ્થાને છે.
FT દ્વારા પ્રસિદ્ધ અન્ય ‘માસ્ટર્સ ઈન મેનેજમેન્ટ’ યાદીમાં લંડન બિઝનેસ સ્કૂલ સાતમા સ્થાને, જ્યારે ઈમ્પિરિયલ કોલેજ અને વોરવિક અનુક્રમે ૧૯મા અને ૨૩મા સ્થાને છે. સિટી યુનિવર્સિટી કાસનો ક્રમ ૨૪મો છે. અમદાવાદ અને કોલકાતાની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અનુક્રમે ૧૫મા અને ૧૬મા સ્થાને છે.
આ બધી મેનેજમેન્ટ સંસ્થાઓના ગ્રેજ્યુએટ્સને મળતી સેલરીનો ચિતાર આપતા જણાવાયું છે કે લંડન બિઝનેસ સ્કૂલના ગ્રેજ્યુએટ્સ સામાન્યપણે $૭૭,૦૦૬ કમાય છે જ્યારે, IIM- અમદાવાદ ($૯૯,૫૪૪), IIM-કોલકાતા ($૯૨,૯૬૪), ઈમ્પિરિયલ બિઝનેસ સ્કૂલ ($૫૬,૮૬૪), વોરવિક ($૫૫,૫૫૬) અને કાસ ($૫૯,૬૬૫)ની કમાણી કરે છે.